પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ચોપર હેલીકોપ્ટરોને રેસક્યૂના કામે લગાડાયા, પાણીથી ઘેરાયેલા ગામોમાં વિમાન દ્વારા ફૂડ પેકેટ વરસાવાયા
પશ્ર્ચિમ બંગાળમાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ વધુને વધુ વિકટ બનતી જાય છે. જો કે વહીવટી તંત્ર દ્વારા પૂર બચાવ રાહત કામગીરીમાં યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે તેમ છતાં પૂર અસરગ્રસ્તોની સંખ્યાનો આંક ત્રણ લાખને પાર થઇ ચુક્યો છે. ગુરૂવારે મધ્યપ્રદેશમાં વરસાદ હળવો થતાં વહીવટી તંત્રએ રાહતનો દમ લીધો હતો. ગ્વાલીયર અને ચંબલમાં પૂર હોનારતોને વરસાદ સંબંધી દૂર્ઘટનાઓમાં 12ના મૃત્યુ અને 7થી વધુને ઇજા થઇ હતી. પશ્ર્ચિમ બંગાળના પૂર અસરગ્રસ્ત સાત જિલ્લાઓમાં ત્રણેક લાખ લોકો અસરગ્રસ્ત બન્યાં હતા અને મોટાભાગના લોકોને સલામત સ્થળે ખસેડવાની કવાયત હાથ ધરી હતી.
પશ્ર્ચિમ બંગાળની પૂર પરિસ્થિતિ હજુ વકરે તેવી દહેશત વચ્ચે અસરગ્રસ્ત વિસ્તારોને પીવાનું પાણી અને સૂકો નાસ્તો, દવાઓ અને જીવનજરૂરી ચીજવસ્તુઓનો જથ્થો પહોંચાડવાનું કામ રેપિડ એક્શન મોડને સોંપવામાં આવ્યું છે. 7 જિલ્લાઓમાં 4,00,000 હેક્ટર ખેતીની જમીન પાણીમાં ડૂબી જવા પામી છે.
છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદને પગલે વિવિધ ડેમ અને સિંચાઇ યોજનાઓમાંથી પાણી સતત છોડવામાં આવતુ હોવાથી પૂર્વ-પશ્ર્ચિમ વર્ધમાન, પશ્ર્ચિમ મદીના પૂર, હુબલી, હાવરા, દક્ષિણ ચોવીસ પરગણાં અને બિરહમ જિલ્લામાં આવેલા અલગ-અલગ ડેમમાંથી 24,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. પશ્ર્ચિમ બંગાળની જેમ મધ્યપ્રદેશમાં ભારે વરસાદની વચ્ચે વ્યાપક ખાના-ખરાબીમાં 12 મૃત્યુ નોંધાયા હતાં.
ચંબલ અને ગ્વાલીયરમાં 126 રાહત કેમ્પોમાં 30,790નું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ભીંડમાં પૂર વચ્ચે ફસાયેલા 3 લોકોનું હેલીકોપ્ટર દ્વારા રેસક્યુ કરવામાં આવ્યું હતું. પાણીમાં ડૂબી ગયેલાં શિવપુર અને દાતીયામાં હેલીકોપ્ટર દ્વારા ફૂડ-પેકેટ પહોંચાડવામાં આવ્યા હતાં. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગઇકાલે ગ્વાલીયર, દાતીયા અને શિવપુરામાં હવાઇ નિરિક્ષણ કર્યું હતું. રાજગઢ, શાહજહાંપુર, માલવા સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતાં.