અનેકવાર રજૂઆત છતાં આશ્ર્વાસન સિવાય કશું મળતુ નથી: લોકોનો આક્રોસ
રાજકોટના મોટા મવાના રંગોલી પાર્ક અને ગુજરાત હાઉસીંગ બોર્ડના ૧૧૬૪ પરિવારોને પાણીની અતિ તંગી ઉભી થઈ છે. ઉનાળાની શરૂઆતમાં જ પાણીની અછતથી લોકો બેડાયુદ્ધ કરવા મજબુર બન્યા છે. આ અંગે રહિશોએ અધિકારીઓને વારંવાર રજૂઆત કરી હોવા છતાં આશ્ર્વાસન સિવાય કશું મળ્યું ન હોવાનું જાણવા મળ્યું છે. ‘હાલ લોકડાઉનમાં પાણી માટે રસ્તા પર આવી જશું તો તેના માટે જવાબદાર કોણ હશે?’ તેવો પ્રશ્ર્ન પણ લોકોમાંથી ઉઠ્યાં છે.
રાજકોટના મોટામવા ગામ ખાતે આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનામાં કાયમી પાણીની કોઈ વ્યવસ્થા ઉભી કરેલી ન હોય. ઉનાળા દરમિયાન બોરના પાણી ઉંડા ઉતરતા આવાસ યોજનામાં પીવાના પાણીની અતિ ગંભીર અછત સર્જાઈ છે. છેલ્લા એક માસ કરતાં વધુ સમયથી પાણીના ટેન્કરની અનેકવાર માંગણી કરવા છતાં પણ તંત્ર દ્વારા આનાકાની કરવામાં આવી રહી છે. સ્થાનિક સ્તરે મોટામવાના આગેવાનોને છેલ્લા એક મહિનાથી અનેકવાર રજૂઆત આવાસ યોજનાના રહીશો કરી રહ્યાં છે.
આવાસ યોજનાના રહીશો આ કોરોના વાયરસની મહામારી અને લોકડાઉનમાં પાણી માટે રસ્તા પર ઉતરવા મજબૂર બન્યા છે. આજ સુધી કોરોનાના સંક્રમણથી આવાસ યોજનાના રહીશો બની શક્યા છે. જો પાણી માટે રસ્તા પર આવ્યા અને કોરોનાના વાયરસના સંક્રમણની ઝપટમાં ચડ્યા તો તે માટે જવાબદાર કોણ ? તેવા સવાલો ઉભા થઈ રહ્યાં છે. રાજકોટ સિટી પ્રાંતના અધિકારીઓ પોતાના અભિમાનને નેવે મુકી પ્રજાના આ પ્રશ્ર્નનું તાત્કાલીક નિરાકરણ કરે તેવી લોક માંગણી ઉઠવા પામી છે.