સોડવદર ડેમમાં ૧૬.૨૭ ફૂટ નવું પાણી આવ્યું
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં ગઈકાલે પડેલા વરસાદના કારણે ભાદર અને ન્યારી-૧ સહિતના ૧૦ જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. જિલ્લાના સોડવદર ડેમમાં સૌથી વધુ ૧૬.૨૭ ફૂટ પાણીની આવક થવા પામી છે.
રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમના સુત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૦ જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. જેમાં રાજકોટ જિલ્લાના ભાદર ડેમમાં નવું ૦.૧૩ ફૂટ પાણી આવ્યું છે. ૩૪ ફૂટની ઉંડાઈ ધરાવતા ભાદરની સપાટી હાલ ૧૨.૫૦ ફૂટે પહોંચી જવા પામી છે. આ ઉપરાંત જિલ્લાના ફોફળ ડેમમાં ૩.૧૨ ફૂટ, આજી-૨ ડેમમાં ૦.૩૩ ફૂટ, સોડવદરમાં ૧૬.૨૭ ફૂટ, ન્યારી-૧ ડેમમાં ૦.૩૩ ફૂટ, ન્યારી-૨ ડેમમાં ૦.૬૬ ફૂટ અને ભાદર-૨ ડેમમાં ૧.૪૮ ફૂટ પાણીની આવક થવા પામી છે. મોરબી જિલ્લાના મચ્છુ-૧ ડેમમાં ૦.૦૭ ફૂટ, મચ્છુ-૨ ડેમમાં ૦.૫૨ ફૂટ, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ભોગાવો-૨ (ધોળીધજા) ડેમમાં ૦.૬૦ ફૂટ પાણીની આવક થવા પામી છે.