વરસાદ ખેંચાતા કોર્પોરેશન લાચાર: આજી અને ન્યારી ડેમમાં માત્ર ૨૦ દિવસ ચાલે તેટલું પાણી સૌની યોજના અંતર્ગત આજીમાં નર્મદાના નીર ફરી શરૂ કરવા સરકારમાં પત્ર લખ્યો
વરસાદ ખેંચાતા રાજકોટવાસીઓ પર જળસંકટના ભણકારા વાગી રહ્યા છે. શહેરની જળજરૂરીયાત સંતોષતા સ્થાનિક જળાશયોમાં હવે માત્ર ૨૦ દિવસ ચાલે તેટલો જ જળજથ્થો ઉપલબ્ધ હોય પાણી વિતરણ વ્યવસ્થા ટકાવી રાખવા માટે છેલ્લા બે દિવસથી બેઠકનો ધમધમાટ ચાલી રહ્યો છે.
દરમિયાન આજીડેમમાં સૌની યોજના અંતર્ગત ફરી નર્મદાના નીર ઠાલવવા માટે કોર્પોરેશન દ્વારા સરકારમાં પત્ર લખવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
જુલાઈ માસ અડધો વિતવા છતાં શહેરમાં સંતોષકારક વરસાદ ન પડતા જળજરૂરીયાત સંતોષતા એક પણ જળાશયમાં નવા નીરની આવક થવા પામી નથી. હાલ આજીડેમ ૧૫ ફુટ ભરેલો છે અને ન્યારી ડેમમાં ૪ ઈંચ પાણી છે. આ બંને જળાશયો ૨૦ દિવસ બાદ સાથ છોડી દેશે. ભાદર ડેમ હાલ ૧૧.૭૦ ફુટ ભરેલો છે. જેમાંથી રાજકોટને દૈનિક ૪૦ એમએલડી પાણી આપવામાં આવે છે. ભાદર ૫૧ દિવસ સુધી સાથ આપશે. વરસાદ ખેંચાતા રાજકોટવાસીઓ પર જળસંકટ ઉભું થયું છે. સંભવિત જળસંકટને ખાળવા માટે મહાપાલિકામાં છેલ્લા બે દિવસથી મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની દ્વારા વોટર વર્કસના શાખાના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી રહી છે અને પાણીની વિતરણ વ્યવસ્થા ટકાવી રાખવા માટેના આયોજન ઘડાઈ રહ્યા છે.
ઉનાળાની સીઝન પૂર્વે આજી ડેમને ફરી નર્મદાના નીરથી ભરી દેવા માટે રાજય સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત પાઈપલાઈન મારફત નર્મદાનું પાણી આજી ડેમમાં ઠાલવવામાં આવ્યું હતું. ફરી સૌની યોજનાથી આજીડેમમાં નર્મદાના નીર ઠાલવવા માટે મહાપાલિકા દ્વારા રાજય સરકારને પત્ર લખવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.