સૌરાષ્ટ્રના બીજા નંબર સૌથી મોટો ડેમ ભાદર-1માંથી શિયાળુ પાક લેવા માટે પાણી છોડવામાં આવ્યું છે. જેના લીધે કેનાલ તરબતર બની ગઇ છે અને ખેડૂતો પણ ખુશી ઝુમી ઉઠ્યા છે. ચાલુ વર્ષે ખૂબ જ સારા પ્રમાણમાં વરસાદને પગલે ભાદર ડેમ ચોમાસામાં અનેકવાર ઓવરફ્લો થયો હતો. જેના લીધે ડેમમાં નોંધપાત્ર પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાથી સિંચાઇ વિભાગ દ્વારા શિયાળુ પાક માટે પણ પાણી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને લઇ સોમવારે રાત્રે ભાદર-1 ડેમની કેનાલમાંથી પાણી છોડવામાં આવ્યું હતું.
રાજકોટ, જુનાગઢ અને પોરબંદર ત્રણ જિલ્લાઓના ખેડૂતોને જમીનની સિંચાઇનું પાણી પુરૂં પડાશે: ડેમમાં પાણીનો જથ્થો પૂરતો હોય ઉનાળુ પાક માટે પણ કેનાલ મારફતે પાણી છોડાશે
ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં જરૂરિયાત કરતા ઘણો સારો વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોનો મોટાભાગનો પાક ધોવાઇ ગયો હતો. અમૂક ખેડૂતોનો પાક બળીને ખાખ થઇ ગયો હતો. જેને લઇને ચોમાસુ પાક નિષ્ફળ જતા શિયાળુ પાક પર આશા રાખીને બેઠા છે ત્યારે સૌરાષ્ટ્રનો બીજા નંબર સૌથી મોટો ભાદર-1 ડેમ કે જે 48 કિલોમીટરની લંબાઇ ધરાવતી કેનાલ દ્વારા રાજકોટ, જુનાગઢ અને પોરબંદર ત્રણ જિલ્લાઓના 48 ગામોની 5000 હેક્ટર ખેતીની જમીનને સિંચાઇનું પાણી પુરૂં પાડવામાં આવશે.
રાજકોટ, જુનાગઢ અને પોરબંદર એમ ત્રણ જિલ્લાના 47 ગામોની 50000 હેક્ટર જેટલી ખેતીની ગામોના 4700 જેટલા ખેડૂતોએ શિયાળુ પાક માટે ફોર્મ ભરતા તેઓ કેનાલમાંથી પાણીનો લાભ મેળવી શકશે.
ભાદર-1 ની કેનાલમાંથી ગઇકાલે રાત્રે પાણી છોડવામાં આવ્યું હતું. જ્યારે ડેપ્યૂટી ઇજનેર એમ.વી.મોવલીયાની હાજરીમાં પાણી છોડવામાં આવ્યું હતું. બીજી બાજુ ડેમના સેક્શન ઓફિસરે જણાવ્યું હતું કે ખેડૂતોને શિયાળુ પાક માટે પિયતના પાણી આપવામાં આવશે અને ડેમમાં પાણીનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં હોવાથી જરૂર પડશે તો ઉનાળુ પાક માટે પણ કેનાલ મારફતે પાણી છોડવામાં આવશે.