ગુજરાત જમીન વિકાસ નિગમમાં કાગળ ઉપર પાણીના ટાંકા બતાવી લાખોનો ભ્રષ્ટાચાર
ગુજરાત જમીન વિકાસ નિગમમાં પાણીના ટાંકા કાગળ ઉપર બતાવી ૫૬ લાખનો ભ્રષ્ટાચાર થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સતત બીજી વખત ગુજરાત જમીન વિકાસ નિગમમાં ભ્રષ્ટાચાર પકડી પડાયો છે જેમાં પાણીના ટાંકા માત્ર કાગળ ઉપર જ બતાવાયા હતા અને લાખો રૂપિયા સગેવગે કરાયા હોવાનો આક્ષેપ થયો છે.
વલસાડ એસીબી પોલીસ સ્ટેશન ખાતે કોન્ટ્રાકટર અને અધિકારી સહિત ૧૭ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં ૧૩ ટાંકા બાંધવામાં આવ્યા હોવાનું કાગળ ઉપર દર્શાવી રૂ.૫૭.૪૬ લાખની ગફલત કરવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે. કેટલાક કિસ્સામાં એવું પણ ફલિત થયું છે કે, આરોપીએ સબકોન્ટ્રાકટરને કામ આપી દીધું હોય.
૧૭ આરોપીઓમાંથી એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ૮ની ધરપકડ કરવામાં આવી છે. વધુ વિગતો મેળવવા માટે કાર્યવાહી શરૂ છે. ગુજરાત જમીન વિકાસ બોર્ડના ઈન્ચાર્જ આસિસ્ટન્ટ ડિરેકટર પ્રવિણ પ્રેમળ તથા ફિલ્ડ આસીસ્ટન્ટ યુસુફ ભીખાનો હાથ કૌભાંડમાં હોવાનો આક્ષેપ થયો છે. અગાઉ પણ આ બંનેની ધરપકડ એક કૌભાંડમાં થઈ હતી.અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાત જમીન વિકાસ નિગમ કૌભાંડોથી ખદબદી રહ્યું છે.
અગાઉ ફાર્મ પોન્ડ સ્કેમમાં પણ લાખો રૂપિયાની ગોલમાલ થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આ મુદે હજુ તપાસ ચાલુ છે. હાલ ત્રણ લાખનો એક ટાંકા લેખે કાગળ ઉપર બતાવી લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્લી રહ્યું છે.