- મહિલાઓએ મહાનગરપાલિકા કચેરીએ કર્યો હલ્લાબોલ
- મિટિંગ છોડી અધિકારીને બહાર આવવું પડ્યું
- રોટરી નગરની મહિલાઓએ નાયબ કમિશનરને ઘેરાવ કર્યો
- મહિલાઓની રજૂઆત સાંભળી પાણી પૂરું પાડવાની ખાતરી અપાઈ
- પાણી પૂરું પાડવાની ખાતરી અપાતા મામલો શાંત પડ્યો
ગાંધીધામ: કોર્પોરેશનનો વિસ્તાર વધ્યો પરંતુ પાણીનો જથ્થો હજુ વધ્યો નથી. જેના પગલે ઉનાળો શરૂ થયો છે ત્યાં જ પાણીનો કકળાટ અલગ અલગ વિસ્તારોમાંથી ઉઠી રહ્યો છે. તેને લઈને પાણીના ટેન્કર દોડાવીને કોર્પોરેશન દ્વારા સમસ્યા ઉકેલવા માટે પ્રયત્ન કરાઈ રહ્યા છે.
ગાંધીધામના રોટરી નગર વિસ્તારમાં બે મહિનાથી પીવાનાં પાણીની પળોજણ અંગે રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતાં અંતે વિસ્તારની મહિલાઓએ મહાનગરપાલિકા કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. જેના પગલે નાયબ કમિશનરે મિટિંગમાંથી બહાર આવીને રજૂઆત સાંભળી હતી. એક તબક્કે મહિલાઓએ તેમનો પણ ઘેરાવ પણ કર્યો હતો. અંતે ટેન્કર આપવાની ખાતરી આપતાં મામલો શાંત પડ્યો હતો.
ગાંધીધામ કોર્પોરેશન બન્યા પછી પણ પીવાનાં પાણીની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો હોય તેવું જણાતું નથી. પાણી પુરવઠા બોર્ડ દ્વારા આપવામાં આવતાં પાણીના પુરવઠા અંગે વિસંગતતાઓ હજુ પણ યથાવત્ રહેવા પામી છે. દરમિયાન હાલ પણ ઓછું પાણી આપવામાં આવતું હોવાથી કોર્પોરેશન માટે લોકોને પીવાનું પાણી કેવી રીતે પહોંચાડવું તે એક સમસ્યારૂપ સ્થિતિ ઊભી થઈ રહી છે. તેવા આક્ષેપો લોકો દ્વારા લગાવવામાં આવ્યા હતા. આ સમસ્યા વચ્ચે ગતરોજ રોટરી નગર વિસ્તારની મહિલાઓ પાણી આપવાના પોકાર સાથે મહાનગરપાલિકા કચેરીએ દોડી આવી હતી. પ્રથમ નાયબ કમિશનરની ચેમ્બર પાસે રાહ જોયા પછી સાહેબ મિટિંગમાં છે તેમ કહેતાં મહિલાઓ સભાખંડમાં રાજકોટ કોર્પોરેશનના અધિકારીઓ સાથે ચાલતી બેઠકની બહાર દોડી ગયા હતા. આ તબક્કે પ્રથમ પાણીનો હવાલો સંભાળતા પૂજારાએ રજૂઆત સાંભળી હતી. ત્યારબાદ મિટિંગમાંથી નાયબ કમિશનર સંજય રામાનુજે બહાર આવીને મહિલાઓની હૈયાવરાળ સાંભળીને યોગ્ય કરવાની ખાતરી આપી હતી.
અહેવાલ: ભારતી માખીજાણી