અવધ રોડ ઉપર આવેલા વીર સાવરકર આવાસમાં છેલ્લા ૮ દિવસથી થઈ રહેલા પાણીના ધાંધિયાથી ત્રસ્ત મહિલાઓએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ
પોલીસે ઘટના સ્થળે દોડી આવી મામલો શાંત પાડયો: સ્થાનિકો આકરા પાણીએ, હજુ પણ પ્રશ્નનું નિરાકરણ નહિ આવે તો રૂડા કચેરીને ઘેરાવ કરવાની ચીમકી
રાજકોટના અવધ રોડ ઉપર આવેલી વીર સાવરકર આવાસમાં પાણીની સમસ્યાના કારણે મહિલાઓ રણચંડી બની હતી. સ્થાનિક મહિલાઓએ સૂત્રોચ્ચાર સાથે કાલાવડ રોડ ઉપર ચક્કાજામ કરી દીધો હતો. અને આ અંગે જાણ થતા પોલીસ તુરંત ઘટના સ્થળેથી દોડી આવી હતી અને મામલો શાંત પડાવ્યો હતો. રાજકોટમાં સામાન્ય રીતે ઉનાળામાં પાણીની સમસ્યા જોવા મળતી હોય છે. તેમાં પણ ખાસ કરીને રૂડા વિસ્તારમાં પાણીની સમસ્યા વધુ જોવા મળતી હોય છે. પરંતુ હજુ તો ઉનાળાનો પ્રારંભ જ થયો છે. ત્યાં રૂડા વિસ્તારમાં પાણીની બુમરાળ ઉઠી છે. રૂડાની અવધ રોડ ઉપર આવેલ વિરસાવરકર આવાસ યોજનામાં પાણીની સમસ્યા સર્જાઈ છે. છેલ્લા ૮ દિવસથી અહીં પાણીના ધાંધિયા અંગે રૂડાને અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકો રોષે ભરાય ગયા હતા.
અહીંની સ્થાનિક મહિલાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પાણીની સમસ્યાના વિરોધમાં કાલાવડ રોડ ઉપર ચક્કાજામ કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ અંગે જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બનાવને કાબુમાં લીધો હતો. જો કે સ્થાનિકોએ હજુ પણ પાણીનો પ્રશ્ન નહિ ઉકેલાય તો રૂડા કચેરીને ઘેરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ઉલ્લેખનિય છે કે હજુ ઉનાળાની શરૂઆતમાં જ પાણીની સમસ્યા ઘેરી બનતી જઈ રહી છે. ત્યારે ઉનાળાના મધ્યે પાણીનો પ્રશ્ન તંત્ર માટે પડકારરૂપ બનશે તે નક્કી છે. જો કે એવી પણ માહિતી મળી રહી છે કે ચાર થી પાંચ વર્ષ પહેલા ગુંચવાયેલા એસોસિએશનના પ્રશ્ર્ને આ પાણીની સમસ્યા સર્જાય છે.
રૂડા દ્વારા ટેન્કરો શરૂ કરાશે, એઓપી રચી સમસ્યાનો કાયમી નિકાલ કરાશે: રૂડા ચેરમેન
રૂડાના ચેરમેન ઉદિત અગ્રવાલે ‘અબતક’ સોની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, વીર સાવરકર ટાઉનશીપમાં પાણીની સમસ્યા તંત્રનો વિષય ની. અહીં એઓપી બન્યુ ની અને રહેવાસીઓએ નળ જોડાણ પણ લીધેલ ની. જેના કારણે દર વર્ષે ઉનાળામાં પાણીની સમસ્યા સર્જાય છે. ગત વર્ષે પણ રૂડા દ્વારા અહીં ટેન્કરો શરૂ કરવામાં આવ્યા હતા. આ વર્ષે પણ ટેન્કરો શરૂ કરાશે. ટાઉનશીપના મેન્ટેનન્સ માટે વહીવટદારની નિમણૂંક કરવામાં આવી છે. આગામી ત્રણ માસમાં એસોશીએશન ઓફ પર્સનની રચના કરવામાં આવશે. ત્યારબાદ તેઓને નળ જોડાણ લેવામાં ફરજ પાડવામાં આવશે. ટૂંક સમયમાં સમસ્યાનો કાયમી નિકાલ માટે નિર્ણય લેવામાં આવશે.