પ્રદૂષણ નિયંત્રણ કચેરી અને વહીવટી તંત્રનું કંઈ ઉપજતું નથી

પ્રોસેસ કરેલું પાણી ભાદર-ઉબેણ નદીમાં ઠલવાતા નદી પણ થાય છે પ્રદૂષિત

ફિલ્ટર પ્લાન્ટમાં કેમિકલ નબળુ વપરાતું હોવાની ફરિયાદ: સ્લજ ફિલ્ટર પ્લાન્ટ નજીક જમીનમાં નખાય છે

જેતપુરના સાડી ઉદ્યોગના પ્રદૂષિત પાણીથી દિવસે ને દિવસે ખેતી તથા પર્યાવરણને નુકશાન થઈ રહ્યું છે. પ્રદૂષણ વિભાગના અધિકારીએ તાજેતરમાં કરેલા ઓચિંતા ચેકિંગ દરમિયાન પ્રદૂષિત પાણી ફિલ્ટર થયા બાદ એ પાણી ભાદર-ઉબેણ નદીમાં છોડવામાં આવ્યું હોવાનું અને પાણી ફિલ્ટર થયા બાદ નીકળતા સ્લજનો ફિલ્ટર પ્લાટ નજીક જ ઢગલા કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. પ્રદૂષણ નિમંત્રણ કચેરી તથા સ્થાનિક વહીવટી તંત્રની બેદરકારી અને બેજવાબદારીના લીધે જ પ્રદૂષણ ચાલુ જ હોવાથી લોકોની ફરિયાદ છે.

આ વિસ્તારના ખેડૂતો અવાર-નવાર ફરિયાદ કરે છે. પણ ઉચ્ચકક્ષાએથી ચાર હાથ હોય પ્રદૂષણ નિયંત્રણ તંત્ર કે સ્થાનિક તંત્ર કંઈ કરતું ન હોવાની લોકોની ફરિયાદ છે. જેતપુરના સાડી કારખાનામાંથી નીકળતું કેમીકલવાળુ પાણી નદી કિનારે બનાવેલી ગટર મારફત એકત્ર થાય છે. આ પાણીનું દેરડીધાર પર બનાવવામાં આવેલા ફિલ્ટર પ્લાન્ટ ખાતે પ્રોસેસીંગ કરવામાં આવે છે. લોકોની ફરિયાદ છે કે, જેતપુરમાંથી નીકળતા ફેકટરીના પાણીમાંથી માત્ર ૧૦ ટકા પાણી જ પ્રોસેસ કરાય છે. બાકીનું ૯૦ ટકા પાણી સીધું નદીમાં એમને એમ જ જવા દેવાય છે.

ફિલ્ટર પ્લાન્ટમાં પાણી ફિલ્ટર કરવા માટે હલકી કક્ષાનું કેમીકલ વાપરવામાં આવતું હોય પાણી પુરતું ફિલ્ટર થતું નથી. અધુરામાં પૂરું પાણી ફિલ્ટર થયા બાદ નીકળતો સ્લાજ પ્લાન્ટ નજીક જ એકઠો કરી જમીનમાં દાટી દેવાય છે. હકીકતમાં આ સ્લજ કચ્છના લાકડીયા ખાતે મોકલી રણમાં દાટી દેવાનો હોય છે. પણ આવું કરાતું નથી અને પ્લાન્ટ નજીક જ જ્યાં ત્યાં જમીનમાં નાખી દેવાય છે તેવી લોક ફરિયાદ છે.

IMG 20200808 WA0002

આ અંગે જાણકારો તથા ખેડૂતોએ જણાવ્યું હતું કે, જેતપુરના કારખાનાનું પાણી તથા ધોલાઈ ઘાટનું પાણી પ્રોસેસીંગ કર્યા બાદ ખેતીમાં આપવાનું હોય છે પણ આ પાણી ખેતીમાં વાપરતા એક વર્ષ વાપર્યા બાદ બીજા વર્ષે એ જમીનમાં કોઈ ઉપજ થતા નથી જેથી ખેડૂતો એ પાણી ખેતીમાં વાપરતા નથી. જેતપુર કારખાનાનું ૧ કરોડ લીટર પાણી ભાદર નદીમાં છોડ્યા છે. માટે ધોલાઈ ઘાટનું દોઢ કરોડ લીટર પાણી ઉબેણ નદીમાં છોડવામાં આવે છે. આ બંને નદીના પાણી પણ પ્રદૂષિત થાય છે.

તા.૨૬-૭ના રોજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી અંગે પ્રદૂષિત નિયંત્રણ કચેરીએ નોટિસ આપી છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. ઉબેણ નદીમાં થઈ રહેલા પ્રદૂષણ અંગે તાજેતરમાં જ ખેડૂતોએ જૂનાગઢના સાંસદ ચુડાસમાને રજૂઆત કરી હતી. પણ પ્રદૂષણ રોકવા કોઈ ગંભીર નથી કે કોઈ પગલા લેવાતા નથી. જેતપુર ગ્રામ્ય પંથકમાં લોકો કહે છે કે સ્થાનિક પ્રદૂષણ નિયંત્રણ કચેરી અને વહીવટ તંત્રના જવાબદારો કડક પગલા ભરે તેવી લોક માંગણી ઉઠી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.