વેરો બાર માસનો વસુલાય છે પણ પાણી અઠવાડિયે એકવાર…!
જસદણમાં આજે લાતીપ્લોટ સહિત ચાર જેટલા વિસ્તારોમાં આઠમાં દિવસે પણ પાણી ન આવતા ગૃહિણીઓ રસોડા છોડી રોડ પર આવી હોય એવો ઘાટ ઘડાયો છે. જસદણને પાલિકાનો દરજજો મળ્યા બાદ પાણી અને તેના વિતરણના સાધનોમાં અબજો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે પણ પાણીનો સ્ત્રોત ન બનાવાયો હોવાથી આજે ઉનાળામાં તળાવ ખાલી થતાં તમામ આધાર નર્મદાના પાણી પર રાખવો પડતો હોવાથી શહેરમાં નાગરિકોને હાલ દર સાત દિવસે પાણી મળી રહ્યું છે અને વેરો તો બાર માસનો વસુલાય રહ્યો છે.
આજે બુધવારે શહેરના ચાર જેટલા વિસ્તારમાં આઠમાં દિવસે પણ પાણી ન આવતા પાણી લોકો માટે ફરી દોહલયું બની ગયું હતું. લાતી પ્લોટના પૂર્વ નગરસેવક વિનુભાઈએ જણાવ્યું કે, લાતી પ્લોટમાં ગઈકાલે પાણીનો વારો હોવા છતાં આજે બુધવારે સવારે પાણી આવ્યું નથી! વધુમાં જણાવ્યું કે, ચીફ ઓફિસરને લોકો પાણીની ફરિયાદ કરે છે તો ઉડાઉ જવાબ આપે છે. પાણીની તંગીમાં તેમણે બીલ ચુકવણા અને ગેરકાયદેસર બાંધકામોની મંજુરી બંધ રાખી લોકોને ચાર દિવસે નિયમિત પુરતુ અને ચોખ્ખું પાણી આપવું જોઈએ.