આમ્રપાલી ફાટક પાસે ધ્રુવનગર નજીક ૩૦૦ એમએમની એસીપ્રેશર પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા જળબંબાકાર જેવી સ્થિતિ: સુભાષનગર, ચુડાસમા પ્લોટ, ધ્રુવનગર અને વૈશાલીનગરમાં પાણી વિતરણ ૭ કલાક મોડુ
શિયાળાની કડકડતી ઠંડીમાં પાઈપલાઈન તુટવાના બનાવો પણ વઘ્યા છે. આજે સવારે શહેરનાં વોર્ડ નં.૨માં રૈયા રોડ પર આમ્રપાલી ફાટક નજીક ધ્રુવનગર-૧ પાસે ૩૦૦ એમએમની પાણીની પાઈપલાઈન ધડાકાભેર ફાટતા વિસ્તારમાં પાણી વિતરણ ખોરવાઈ જવા પામ્યું હતું. યુદ્ધના ધોરણે રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું હોવા છતાં સમગ્ર વિસ્તારમાં જાણે વરસાદ ખાબકયો હોય તેમ શેરીઓમાં નદીઓ ચાલતી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. સુભાષનગર, ચુડાસમા પ્લોટ, ધ્રુવનગર અને વૈશાલીનગર સહિતનાં વિસ્તારોમાં ૭ કલાક પાણી વિતરણ મોડુ કરવામાં આવતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો હતો.
આ અંગે મહાપાલિકાનાં ઈજનેરી સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત મુજબ ન્યારી ઝોનથી રૈયા રોડ તરફ આવતી ૩૦૦ એમએમની એસીપ્રેશર પાઈપલાઈન આજે વહેલી સવારે રૈયા રોડ પર આમ્રપાલી ફાટક પાસે ધ્રુવનગર-૧નાં ખૂણે ધડાકાભેર ફાટતા સમગ્ર વિસ્તારમાં પાણી-પાણી થઈ ગયું હતું. અહીં વહેલી સવારમાં પાણી વિતરણ કરવામાં આવે છે. પાઈપલાઈન ફાટતા વિતરણ ખોરવાઈ ગયું હતું. તાત્કાલિક અસરથી પાણી બંધ કરી પાઈપલાઈનની રીપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બપોર સુધીમાં આ કામગીરી પૂર્ણ થયા બાદ ફરીથી પાણી વિતરણ શરૂ કરવામાં આવશે. સુભાષનગર, ચુડાસમા પ્લોટ, ધ્રુવનગર સહિતનાં વિસ્તારોમાં આજે ૬ થી ૭ કલાક પાણી વિતરણ મોડુ કરવામાં આવશે. ગત સપ્તાહે પણ ઉપરાઉપર બે દિવસ પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયું હતું. શહેરનાં રેલનગર વિસ્તારમાં ડ્રેનેજની લાઈન તુટતા સમગ્ર વિસ્તારમાં ગટરના પાણીનાં પુર આવ્યા હોય તેવી સ્થિતિ સર્જાય હતી તો કોઠારીયામાં પણ બીજા દિવસે પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયું હતું. કોર્પોરેશનનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર શિયાળાની સિઝનમાં ઠંડીનાં કારણે એસીપ્રેશર પાઈપલાઈનમાં ભંગાણ સર્જાવાની ઘટના બનતી હોય છે.