૫૯,૩૯૬ સીટો સામે હજુ ફી ભરનારા માત્ર ૨૪,૪૩૧ વિદ્યાર્થીઓ
એન્જીનિયરીંગની ડિગ્રીની સીટો ભરવા માટે એડમિશનનો પ્રથમ રાઉન્ડ યોજાયા બાદ પણ ૫૯ ટકા બેઠકો ખાલી રહી હોય એમ કહી શકાય કે એન્જીનિયરીંગના વળતા પાણી શ‚ થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે.
આ અંગે એડમિશન કમિટીના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ૫૯,૩૯૬ સીટો સામે ૩૫,૯૫૬ સીટો પ્રથમ રાઉન્ડ બાદ ભરવામાં આવી હતી. જેમાંના ૨૪,૪૩૧ વિદ્યાર્થીઓ દ્વારા ફી ભરવામાં આવી હતી. ત્યારે પ્રોફેશનલ કોર્સ એડમિશન કમિટી દ્વારા ભરવાની બાકી સીટોનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું. આ અંગેની માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે, કેટલાક ટોપર્સ કે જે આઈઆઈટી અને એનઆઈટી માટે લાયકાત ધરાવે છે. તેઓ કોલ લેટર માટે રાહ જોઈ રહ્યા છે. એકવાર તેઓ આઈઆઈટી કે એનઆઈટીમાં પ્રવેશ મેળવી લેશે ત્યારે હજુ પણ વધારે સીટો ખાલી થાય તેવી સંભાવના છે. તેમણે જણાવ્યું હતું કે, દાહોદ અને ભુજમાં પણ હજુ સીટો ભરવાની બાકી છે. પ્રક્રિયા પછી પણ હજુ કોલેજોમાં ૧૫ થી ૨૦ ટકા જ સીટો ભરાઈ છે.
બીજા રાઉન્ડ માટેની પ્રવેશની કામગીરી ૧૭ થી ૨૦ જુલાઈમાં ભરાઈ જશે. જેનું પરિણામ ૨૨ જુલાઈએ આવી જશે. અધિકારીઓ દ્વારા ચાલુ કોલેજોમાં પ્રવેશ મેળવનાર ઘણા પ્રવેશ કેન્સલ થયા હોવાનું નોંધાયું છે. કેટલાક વિદ્યાર્થીઓ કે જે પ્રવેશપાત્ર હોય તેના દ્વારા વધારે સારી કોલેજોમાં એડમિશન મેળવવાની ઈચ્છાસર હજુ ફી ભરવામાં આવી નથી.
પ્રોફેશ્નલ કોર્સની કમિટીના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ૪૨,૩૪૯ વિદ્યાર્થીઓ દ્વારા ફોર્મ ભર્યા છે. જેમાંથી ૪૧,૮૭૭ પ્રવેશ માટે પાત્રતા ધરાવે છે. સમગ્ર રીતે જોતા ૩૯,૧૦૯ વિદ્યાર્થીઓને તેમની પસંદગી પ્રમાણે પ્રવેશ અપાયા છે. જયારે ૩,૧૫૩ વિદ્યાર્થીઓ કે જેમણે સારા માર્કસ ન પ્રાપ્ત કર્યા હોય તેઓને કયાંય એડમિશન મળી શકે તેમ નથી.