નાના-મોટા ગોખરવાળા,લાપાળિયા,સોનારીયા,ચાંદગઢને છતે પાણીએ રાહ જોવાનો વારો: રિપેરીંગ ન થતાં સેંકડો ગેલન પાણીનો વેડફાટ
અમરેલી જિલ્લામાંથી પસાર થતી ઈશ્વરીયાથી સીમરણ સુધીની મહી યોજનાની લાઈનમાં નેશનલ હાઇવે ઉપર મોટા ગોખરવાળા ગામ પાસે કોજ્વે માં લાબા સમયથી ભંગાણ થવાના કારણે બેફામ પાણીનો વેડફાટ થાય છે અને સેંકડો ગેલન પાણી વેડફાતું હોવા છતા રિપેરીંગ કરાતું નથી. બીજી તરફ આના કારણે આ વિસ્તારના પાંચ ગામોને પૂરતું પાણી મળતું નથી. અમુક ગામોમાં રાત્રે પાણી આપવાની ફરજ પડી રહી છે ત્યારે મજૂર અને ખેતી કરતા લોકો રાત્રે થાકીને સુઈ જતા હોય છે પછી પાણી આવતું હોવાથી પાણી ભરી શકતા નથી
અમરેલી તાલુકાના નાના મોટા ગોખરવાળા, લાપાળિયા, સોનારીયા અને ચાંદગઢ ગામને હાલમાં મહી યોજનાની ઈશ્વરીયાથી સીમરણ સુધીની લાઈનમાંથી પાણીનો પૂરવઠો આપવામાં આવે છે. આ લાઈન હાલ સીમરણ સુધી જવાના બદલે મોટા ગોખરવાળા સુધી જ આવે છે અને તેમાં નાના ગોખરવાળા, મોટા ગોખરવાળા. લાપાળિયા, સોનારીયા તથા ચાંદગઢ ગામને પીવાના પાણીનો જથ્થો આપવામાં આવે છે. લાંબા સમયથી મોટા ગોખરવાળા ગામ પાસે શેત્રુંજી નદીથી આગળના ભાગે પેટ્રોલપંપ નજીકના વિસ્તારમાં આ લાઈનમાં લાંબા સમયથી અનેક જગ્યાએ ભંગાણ થયું છે અને સતત એક નદી પરથી વહેતી હોય તેમ પાણી વહી રહ્યું છે.
પાણીથી અહીના વરસાદી નાળાઓ પણ ભરાઇ ગયા છે અને આસપાસના ખેતરોમાં પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. આના કારણે જે પાંચ ગામોને આમાંથી પીવાનું પાણી આપવામાં આવે છે તે ગામોમાં પીવાનું પાણી પૂરતું પહોંચતું નથી અને લોકો છતા પાણીએ તરસ્યા છે. લગભગ એકાદ કી.મી. સુધી આં પાણી વહેતું નરી આંખે જોઇ શકાય છે પરંતુ બે વર્ષ થી વહેતું પાણી તંત્રને દેખાતું નથી.
બીજી વખત ટેન્ડર બહાર પાડ્યું: અધિકારી
આ અંગે પાણી પુરવઠા વિભાગના અધિકારી ઊષાબેને જણાવ્યું કે, આ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્ય છે. આ કામ ઈશ્ર્વરીયા ગૃપ હેઠળ આવે છે. 900 – 711ની એમએસ લાઈન છે. આ લાઈન ઈશ્વરીયાથ સીમરણ સુધી જતી લાઈન છે અને તેમાંથી ગોખરવાળા સુધી પાંચ ગામને પાણી આપવામાં આવે છે. આ માટે હાલમાં ઓનલાઈન ટેન્ડર ચડાવાયું છે. અગાઉ પણ આ માટે ટેન્ડર બહાર પડાયું હતું પણ ત્યારે કોઈ એજન્સી મળી નહોતી અને હવે ફરીથી પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. દોઢથી બે મહિનામાં આ કામગીરી થાય તેવી શક્યતા છે.