મોરબી રોડ પર કાગદડી ખાતેના ખોડીયારધામ આશ્રમના મહંત જયરામદાસબાપુએ કરેલા આપઘાતના બનાવ પાછળ જળ, જમીન અને જોરૂ કારણભૂત બન્યા છે. ત્યારે કેટલાય મોટા માથાની સંડોવણીની શંકા વ્યક્ત થઇ રહી છે કાગદડી આશ્રમની આજુ બાજુની જમીન અંગે રેવન્યુ તંત્ર દ્વારા ઉંડી તપાસ થાય તો કેટલીય ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવે તેમ છે.
ખોડીયારધામ આશ્રમના મહંત જયરામદાસબાપુએ ગત તા.31મીએ ઝેરી દવા ગટગટાવી લેતા અનુયાયીઓ અને ટ્રસ્ટીઓ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા જ્યા તેમનું મોત નીપજ્યું હતું. મહંત જયરામદાસબાપુના આપઘાતના બનાવને કુદરતી મોતમાં ખપાવવા અનુયાયીઓ અને કેટલાક ટ્રસ્ટીઓ દ્વારા ખાનગી હોસ્પિટલમાં તબીબ પાસે હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યાનું ડેથ સર્ટિફિકેટ મેળવી તાત્કાલિક પાલખી યાત્રા કાઢી અંતિમ વિધી કરી નાખવામાં આવી એટલું જ નહી તેમના અસ્થિ વિસર્જન પણ હરિદ્વાર ખાતે કરી નાખવામાં આવ્યા હતા.
મહંતના આપઘાતના બનાવનું પાપ છાપરે ચડીને પોકારે તેમ મહંતનું કુદરતી મોત નહી પણ આપઘાત હોવા અંગેની ચોકાવનારી વિગતો પોલીસ સુધી પહોચાડી હતી. કુવાડવા પોલીસે આ અંગે છાનભીન શરૂ કરતા આશ્રમમાંથી 20 પેઇઝની સ્યુસાઇડ નોટ મળી આવી હતી તેમજ મહંત જયરામદાસબાપુએ આશ્રમમાં ઉલ્ટી કર્યાના પુરાવા મળી આવ્યા હતા.
કાદગડીના રામજીભાઇ લીંબાસીયાએ મહંતના ભત્રીજા અને કોડીનાર તાલુકાના પેઢાવાડા ગામના વતની અલ્પેશ પ્રતાપ સોલંકી અને તેના બનેવી પ્રશ્ર્નાવડા ગામના હિતેશ લખમણ જાદવ તેમજ ગાંધીગ્રામ વિસ્તારના વિક્રમ દેવજી સોહલા બ્લેક મેઇલીંગ કરતા હોવાથી આપઘાત કર્યા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય સામે આત્મહત્યાની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે. મહંત જયરામદાસબાપુને હનીટ્રેપમાં ફસાવવા બે યુવતીની મદદ લેવામાં આવી હતી તે પૈકી એક મહંત જયરામદાસબાપુની ભત્રીજી થતી હોવાનું સામે આવ્યું છે.
બ્લેક મેઇલીંગની જેની સામે ફરિયાદ નોંધાય છે. તે અલ્પેશ સોલંકી પણ મહંતનો ભત્રીજો થાય છે. અને હિતેશ જાદવ ભાણેજ જમાઇ થાય છે. મહંત જયરામદાસબાપુ 18 વર્ષ પૂર્વે સંસાર છોડી સન્યાસી બન્યા બાદ પણ પોતાના પરિવારવાદ ચલાવતા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. અને મહંત જયરામબાપુ મરવા માટે પોતાનાઓએ જ મજબુર કર્યા છે.
મહંત જયરામદાસબાપુએ આપઘાત પૂર્વે લખેલી 20 પેઇઝની સ્યુસાઇડ નોટમાં અલ્પેશ સોલંકી, હિતેશ જાદવ અને વિક્રમ સોહલાના જ નામ લખ્યા છે. અન્ય કંઇ લખ્યું ન હોય તેમ પોલીસ આશ્રમના અન્ય ટ્રસ્ટીઓની સંડોવણી અંગે કંઇ પ્રકાશ પાડતી નથી કે, સ્યુસાઇડ નોટ જાહેર પોલીસ દ્વારા કેમ કરવામાં આવતી નથી તે અંગે પણ સવાલ થઇ રહ્યો છે.
ખોડીયારધામ આશ્રમના મહંતના આપઘાતના બનાવને જાણી જોઇને તબીબ દ્વારા કુદરતી મોતમાં ખપાવવા કોના ઇશારે ખોટુ ડેથ સર્ટિફિકેટ આપ્યું તે અંગે પણ તપાસ કરવામાં પોલીસ ઉણી ઉતરી છે.
મહંતના આપઘાતના બનાવની ન્યાયીક તપાસની માગ
ખોડીયારધામ આશ્રમના મહંત જયરામદાસબાપુએ ગત તા.31મીએ ઝેરી દવા પી કરેલા આપઘાત અંગે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને રજૂઆત કરી તટસ્થ તપાસની માગ કરી છે. શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ મહંત જયરામદાસબાપુએ આપઘાત નહી પણ બનાવ હત્યાનો હોવાનું ગણાવ્યું છે. હત્યામાં જેઓ સંડોવાયા છે. તેઓની સામે કડક કાર્યવાહી કરવા માગ કરી છે. આશ્રમની કરોડો રૂપિયાનો વહીવટ કોણ કરતું અને ગૌશાળા પર કબ્જો કરવામાં રસ હતો તે અંગે તપાસની માગ કરી છે.
વકીલનો પગ કુંડાળામાં પડયો કે પાડવાની ફરજની પાડી
ખોડીયારધામ આશ્રમના 11 ટ્રસ્ટી પૈકી એક એડવોકેટ આશ્રમના મંત્રી તરીકે કામ સંભાળી રહ્યા છે. મહંતના આપઘાતના બનાવ અંગે ઘણું બધુ જાણતા હોવા છતાં અજાણ બનેલા વકીલનો વિવાદના કુંડાળામાં પગ આવી ગયો છે કે કોઇએ કુંડાળામાં પગ આવે તેવી ફરજ પાડી છે. એડવોકેટ પણ હાલ ભેદી મૌન સેવી રહ્યા છે.
બાપુને હનીટ્રેપમાં શું કામ ફસાવ્યા?
ખોડીયારધામ આશ્રમના મહંત જયરામદાસબાપુને બ્લેક મેઇલીંગ કરી રૂા.21 લાખ જેટલી માતબાર રકમ ભત્રીજા અલ્પેશ સોલંકી અને ભાણેજ જમાઇ હિતેશ જાદવે પડાવી ઘરના જ ઘાતકી બન્યા છે. ત્યારે હનીટ્રેપમાં મહંત જયરામદાસબાપુને ફસાવવામાં અલ્પેશ સોલંકી અને હિતેશ જાદવને જ રસ હતો કે અન્ય કોઇ હનીટ્રેપમાં ફસાવ્યા તે અંગે ઉંડી તપાસ કરવી જરૂરી છે.
આશ્રમની જમીનની માલીકી કોની?
મોરબી રોડ પર આવેલા કાગદડી પાસેના ખોડીયારધામ આશ્રમમાં છેલ્લા 18 વર્ષથી સેવા-પૂજા અને વહીવટ સંભાળતા જયરામદાસબાપુએ ઝેરી દવા પી કરેલા આપઘાતના બનાવની સાથે અનેક વિવાદ સામે આવી રહ્યા છે. ત્યારે ખોડીયારધામ આશ્રમની જમીનની માલીકી કોની અને આશ્રમ પર કોનો ડોળો હતો તે અંગે ઉંડી તપાસ થાય તો પણ કેટલાય મોટા માથાના પગ તળે રેલો આવે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે.