જય યોગેશ્વર સોસાયટીમા ઘર અને શેરીઓમાં બે-બે ફૂટ સુધીના પાણી ભરાતા મામલતદાર સમક્ષ સ્થાનિકોને હોબાળો, સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ
રાજકીય નેતાઓના ઓથા તળે ગેરકાયદે ખડકાયેલા બાંધકામો સામે લાલ આંખ કરવામાં તંત્રને ડર લાગે છે?
પડધરીમાં આડેધડ ખડકાયેલા બાંધકામોના કારણે વરસાદના લીધે લોકોના ઘરોમાં પાણી ઘૂસતા હોવાનો પ્રશ્ન ઘેરો બન્યો છે. ગઈકાલે આ મામલે રોષે ભરાયેલા જય યોગેશ્વર સોસાયટીના રહીશોએ મામલતદાર સમક્ષ હોબાળો મચાવતા મામલતદારને પોલિસ બોલાવવી પડી હતી. બીજી તરફ એવો પણ સુર ઉઠ્યો છે કે પડધરીમાં રાજકીય નેતાઓના ઓથા હેઠળ બેફામ ગેરકાયદે બાંધકામો થયા છે. જેની સામે લાલ આંખ કરવામાં તંત્ર પણ ડરી રહ્યું છે.
મળતી વિગત અનુસાર ગઈકાલે પડધરીમાં ભારે વરસાદના કારણે બસ સ્ટેન્ડ સામે આવેલી જય યોગેશ્વર સોસાયટીના મકાનોમાં લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા હતા. આ સોસાયટીમાં તાજેતરમાં ગેરકાયદેસર બાંધકામો થયા છે. જેના કારણે આ ચોમાસામા જેટલી વાર વરસાદ પડ્યો તેટલી વાર લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા છે. ઉપરાંત ઘર સુધી જવાના રસ્તાઓમાં પણ ત્રણ થી ચાર ફૂટ જેટલા પાણીનો ભરાવો થાય છે. જેના કારણે યોગેશ્વર સોસાયટી જાણે ટાપુ હોય તેવા દ્રશ્યો સર્જાઈ છે.
આ ઉપરાંત જય યોગેશ્વર સોસાયટીની પાસે એક વોકળો આવેલો છે. જે ગામની બહાર પાણીનો નિકાલ કરે છે. આ વોકળો ગામના મેઈન રોડને સમાંતર રીતે આવેલો છે. જેના ઉપર તંત્રની મીઠી નજર હેઠળ બેફામ ગેરકાયદેસર બાંધકામો થયા છે. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ અહીં જાહેર કાર્યક્રમોમાં હાજરી આપવા અર્થે આવતા હોય છે. પરંતુ તેઓ દ્વારા પણ આ ગેરકાયદેસર બાંધકામો સામે આખમીચામણા કરવામાં આવી રહ્યા છે. વધુમાં રાજકીય નેતાઓએ પણ પોતાની વોટબેંકને ચાર્જ અપ કરતા અમુક સ્થાનિકોને જ્યા મન પડે ત્યાં બાંધકામ ખડકી દેવાનો પરવાનો આપી દીધો છે. આમ આ ગેરકાયદે ખડકાયેલા બાંધકામોના મૂળમાં રાજકીય નેતાઓ સંડોવાયેલા છે.
આ સમસ્યાથી પડધરીના લોકો છેલ્લા ઘણા સમયથી પીડાઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે રોષે ભરાયેલા યોગેશ્વર સોસાયટીના રહીશોએ મામલતદાર સમક્ષ બળાપો ઠાલવ્યો હતો. જો કે મામલતદારે તાત્કાલિક પોતાના પ્રોટેક્શન માટે પોલીસની મદદ માંગી હતી. હાલ આ મામલે સ્થાનિકોમાં ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે. તંત્ર આ મુદ્દે તાત્કાલીક પગલાં હું ભરે તો આંદોલનના પણ મંડાણ થઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.