સોમનાથ ખાતે પ્રભારી સચિવનાં અધ્યક્ષસ્થાને પીવાના પાણીની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઇ
ગીર-સોમનાથ જિલ્લામાં પિવાના પાણીની પરિસ્થિતિ અંગે સોમનાથ ખાતે પ્રભાર સચિવ સંજય નંદનનાં અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી. ગીર-સોમનાથ જિલ્લાનાં ગામો તેમજ શહેરોમાં પીવાનાં પાણીની કોઇ મુશ્કેલી ઉભી ન થાય તે માટે પ્રભારી સચિવે જણાવ્યું હતું કે, જે ગામોમાંથી ટેન્કર અંગેની માંગણી આવે તેવા ગામોમાં ઝડપી વહિવટી પ્રક્રીયા પૂર્ણ કરી તાત્કાલીક ધોરણે ટેન્કરો ચાલુ કરવા, શહેરી વિસ્તારમાં પૂરતા ફોર્સથી નિયમિત પીવાનું પાણી મળી રહે, પાણીની ફરીયાદ તાત્કાલીક ધોરણે નિકાલ કરવા તેમજ કોઇપણ ગામમાં પીવાનાં પાણીની સમસ્યા ન રહે તે માટે ખાસ તકેદારી રાખવા અધિકારીઓને જણાવ્યું હતું.
ગીર-સોમનાથ જિલ્લામાં ૬ તાલુકા ૬ શહેર અને ૩૮૩ ગામો આવેલા છે. જે પૈકી ૨૬૧ ગામોને લોકલ સોર્સ તેમજ નર્મદા આધારિત ૭ જુથ યોજના હેઠળ આવરી લેવામાં આવેલ છે. જ્યારે ૮૬ ગામો સ્વતંત્ર યોજના હેઠળ અને ૩૬ ગામો હેન્ડપંપ આધારિત છે.
ગીર-સોમનાથ જિલ્લામાં ૧મે ની સ્થિતિએ હિરણ-૨ ડેમમાં ૭.૫૦૪ એમ.સી.એમ., રાવલ ડેમમાં ૭.૩૯૮ એમ.સી.એમ., શિંગોડા ડેમમાં ૧૬.૬૦૪ એમ.સી.એમ. અને મચ્છુન્દ્રી ડેમમાં ૬.૭૯૩ એમ.સી.એમ. હયાત પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જે તા. ૩૧ જુલાઇ સુધી ચાલે તેમ છે. જેથી પીવાનાં પાણીની કોઇ સમસ્યા રહેશે નહી.
આ બેઠકમાં કલેકટર અજય પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી રહેવર, અધિક કલેકટર એચ.આર.મોદી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક સંજય મોદી, પ્રાંત અધિકારી સાંગવાન, કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા બોર્ડ એસ.એમ.શાહુ, નોડલ ઓફીસર સુજલામ સુફલામ એમ.પી.દેલવાડા, ચીફ ઓફીસર જે.વી.મહેતા સહિત સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.