ગઢેચીથી નાગેશ્વરના રસ્તાનો પ્રશ્ન પાંચ વર્ષેય અણઉકેલ
સાંસદને રજૂઆત કરી છતાં કોઈ ઉકેલ નથી: અડધો કિ.મી. રસ્તો ઉંચો લેવાય તો પ્રશ્ન ઉકેલાય: કિસાન સંઘ
દ્વારકાના ગઢેચીથી નાગેશ્ર્વર જવાનો રસ્તો અતિ બિસ્માર અને ચોમાસામાં પાણી ભરાતું હોવાથી ખેડૂતો, ગ્રામ્ય જનતાને મુશ્કેલી પડી રહી છે. માત્ર અડધા કિ.મી.નો રસ્તો ઉંચો બનાવવામાં આવે તો ખેડૂતો, ગ્રામ્ય જનતાનો પ્રશ્ર્ન હલ થઈ જાય તેમ ભારતીય કિસાન સંઘે જણાવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના ઘડેચી ગામેથી નાગેશ્ર્વર તરફ જવાનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે. આ રસ્તો રાજાશાહી વખતનો હોય રિપેર કરવા માટે પાંચ વર્ષ પહેલા સાંસદ પૂનમબેન માડમને રજૂઆત કરવામાં આવેલ હતી, પરંતુ આજ દિવસ સુધી આ રસ્તો રીપેર કરવામા કે નવો બનાવવામાં આવ્યો નથી.
ભારતીય કિસાન સંઘ- ઓખામંડળની રજૂઆત છે કે, ઘડેચી ગામની સીમ-સરમાં ચોમાસાના સમયમાં ૨૦૦ જેટલા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જાય છે. આ પાણી ત્રણથી ચાર મહિના સુધી ભરાયેલા હોવાથી ખેડૂતોને અપાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મેડિકલ અને શિક્ષણ વ્યવસ્થા ખોરંભાય છે.ખેડૂતોને પોતાના ઘરે આવવા જવા તથા ગામમાં જવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો ઘઢેચીથી નાગેશ્વરનો આ રસ્તો સારી દશામાં હોય તો ખેડૂતોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે . વધુમાં ભારતીય કિસાન સંઘના ઓખામંડળના ઉ.પ્રમુખ જેસલભા સુમણીયા જણાવે છે કે, ૨૦૧૬માં સાંસદને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી અને સાંસદે ગાંધીનગર માર્ગ-મકાન વિભાગ તેમજ મંત્રીને રજૂઆત કરી હતી. પરંતુ આજ દિવસ સુધી આ અંગે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. જે રસ્તો બિસ્માર છે તે માત્ર ૫૦૦ મીટર સુધીનો રસ્તો વધુ ખરાબ છે જો અહીં ૬થી ૭ ફૂટ ઊંચાઈ આપવામાં આવે તો પ્રશ્નોનું નિરાકરણ આવે એમ છે. અગાઉ ૨૦૧૬માં આનંદીબેન પટેલ મુખ્યમંત્રી તેમજ વિવિધ જગ્યાએ રજૂઆતો કરવા છતાં પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી જેથી ખેડૂતોની મુશ્કેલી નિવારણ માટે તાત્કાલિક ધોરણે રસ્તો બનાવવા માંગણી કરી છે.