શરદ એમ.રાવલ, હડિયાણા: ગુજરાતમાં ચોમાસાના વધામણાં સારી રીતે થયા છે. વરસાદ આવવાથી ઉનાળામાં પાણીની જે સમસ્યા સર્જાય હતી તેમાંથી મુક્તિ મળશે. પરંતુ હાલ ઘણા ગામડાઓમાં પાણીને લઈને પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. જેમાં લોકો દ્વારા ગ્રામ પંચાયતને આ બાબતે રજુઆત પણ કરવામાં આવે છે. પણ તેનો કઈ ઉપાય નીકળતો નથી. હાલમાં જ હડિયાણા ગામે પીવાના પાણીની વ્યવસ્થાને લઈ સમસ્યા ઉભી થઈ છે.
હડિયાણા ગ્રામ પંચાયત દ્વારા સમગ્ર ગામને પીવાનું પાણી વિતરણ વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ છેલ્લા એક મહિનાથી પાણીની વ્યવસ્થામા ગ્રામ પંચાયતનું કામ નબળું છે. ત્યારે ઘર વપરાશ માટે પાણીની જરૂરિયાત અનિવાર્ય છે, છતાં પણ છેલ્લા એક મહિનાથી પાણી નથી આવ્યું. આ બાબતે ગામના લોકોએ સરપંચને વાત પણ કરી હતી.
સરપંચને ગામના લોકો પાણી માટે રોજ ફોન કરે ત્યારે સરપંચ જવાબ આપે કે, ‘પાણીની પાઇપ લાઈનનું કામ ચાલુ છે. હાલમાં પાણી નહીં આવે. સરપંચનો એવો જવાબ સાંભળી વાણીયા શેરીમાંથી મહિલાઓ પાણીના બેડાં લઈ ગ્રામ પંચાયતે ગઈ હતી. પરંતુ ગ્રામ પંચાયત બંધ હતી. ત્યારે મહિલાઓએ ફરિયાદ કરી કે, ‘છેલ્લા એક મહિના થયા પાણી આવતું નથી. અને સરપંચને વાત કરીયે તો એ સીધા જવાબ નથી આપતા.’
મહિલાઓ દ્વારા જણાવામાં આવ્યું કે, ‘સરપંચને વાત કરી તો કહે કે પાણી નહીં આવે. તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ, TDOના સાહેબને જાણ કરવી હોય તો પણ જાવ કરો.’ મહિલાઓ પાણીના અભાવના કારણે ખુબ મુશ્કેલીઓમાં મુકાય ગઈ છે. કારણકે 1000 રૂપિયા આપવા છતાં પણ ગામમાં પાણીના ટેન્કર આવતા નથી.