૬ ગેંડા સાથે ૭૬ પ્રાણીઓ અને ૭૧ લોકોના મોત નિપજયા
ગત ૭ સપ્તાહમાં આસામમાં બ્રહ્મપુત્રનાં પાણીએ કહેર વરસાવ્યો છે જેમાં જાન-માલની સાથે એક લાખ હેકટરમાં ઉભા પાકને નુકસાની પહોંચી છે. આંકડાકિય માહિતી મુજબ આસામમાં જે પુરપ્રકોપ જોવા મળ્યો છે તેમાં ૭૧ લોકોની સાથો સાથ ૭૬ પ્રાણીઓનાં મૃત્યુ પણ નિપજયા છે જેમાં ૬ ગેંડાનો પણ સમાવેશ થયો છે. બ્રહ્મપુત્રનું પાણી આસામમાં ફરી વળતા વિશ્ર્વ પ્રસિઘ્ધ કાઝીરંગા પાર્ક પણ પાણીમાં ગરક થઈ ગયું છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ૩૩ જિલ્લાઓ પૈકી ૨૭ જિલ્લાઓમાના ૪૦ લાખ લોકો પુરનાં કારણે અસરગ્રસ્ત થયા છે જયારે બીજી તરફ કોરોનાની મહામારી પણ વરવી ભૂમિકા ભજવી રહ્યું છે. સ્ટેટ ડિઝાસ્ટર ઓથોરીટી દ્વારા આસામમાં આશરે ૫૦ હજાર લોકોને હંગામી ધોરણ પર રીલીફ કેમ્પમાં રાખવામાં આવ્યા છે. સાથો સાથ એક લાખથી વધુ હેકટરમાં જે ઉભો પાક રહેલો છે તેને પણ તેની માઠી અસરનો સામનો કરવો પડયો છે. હાલ આસામ કોરોનાની સાથોસાથ પુરનો પણ સામનો કર્યો છે.
સંપર્ક સુત્રોનાં જણાવ્યા મુજબ પુરની સ્થિતિમાં જે રીલીફ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે તેમાં પણ સોશિયલ ડિસ્ટન્સીંગનું પૂર્ણત: પાલન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ અંગેની માહિતી આસામનાં મુખ્યમંત્રી શરબાણંદ સોનોવાલ દ્વારા આપવામાં આવી હતી. પુરની અસરથી વિખરાયેલા વિસ્તારોની મુલાકાતે આવ્યા હતા અને ડિઝાસ્ટર ઓથોરીટી દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તે અંગેનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. સ્ટેટ ડિઝાસ્ટરનાં અધિકારીઓ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ હાલ કાઝીરંગા પાર્કનો ૯૦ ટકા વિસ્તાર પાણીની અંદર ગરક થયેલો છે જયારે પુરથી ૭ જેટલા કેમ્પને બચાવવામાં પણ આવ્યા છે. બ્રહ્મપુત્રનું પાણી આસામ રાજયમાં પૂર્ણત: ફેલાઈ ગયું છે જે અંગેની રાજયએ ગંભીરતા લેવી પણ જરૂરી છે. પુર આવવાના કારણે ખેતીની જમીનનું ધોવાણ પણ થઈ જતા ઘણાખરા વૃક્ષોને તેની માઠી અસરનો સામનો કરવો પડયો છે. નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ દ્વારા ૧૨ સર્ચ અને રેસ્કયુ ટીમને આસામ રાજયમાં મુકવામાં આવી છે.