માળીયાના રાસંગપરમાં સૌથી વધુ નુકશાન:વાંઢ વિસ્તારમાં લોકોની ઘરવખરી તણાઈ ગઈ
મોરબી: મચ્છુ નદીના ધસમસતા પ્રવાહોએ ગઈકાલે માળીયામાં તબાહી મચાવ્યા બાદ હવે ધીમે-ધીમે પૂરના પાણી ઓસરી ગયા છે,અને જનજીવન સામાન્ય બની રહ્યું છે આજ સવારથી માળીયા પંથકમાં લોકો હાસકારો અનુભવી જીવન જરૂરી ચીજવસ્તુ લેવા બજારમાં નીકળી પડ્યા છે જો, કે તબાહી ના કારણે લોકોની ઘરવખરીને વ્યાપક પ્રમાણમાં નુક્શન પહોંચ્યું છે. ગઈકાલ મચ્છુ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે સવારથી માળીયામાં વગર વરસાદે ભયાનક પૂરના પ્રવાહોએ ભારે તબાહી માચવી હતી અને સમગ્ર માળીયા તાલુકાને બેટમાં ફેરવી દેતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાંજ સુધી રેસ્ક્યુ ઓપરેશન કરી હોડી, જેસીબી,ટ્રેક્ટર અને હેલિકોપ્ટરની મદદથી લોકોને બચાવી સલામત સ્થળે ખસેડ્યા હતા. ઉપર આભ અને નિછે પૂર્ણ ધસમસતા પ્રવાહોએ માળીયાના લોકોને ૧૯૭૯ ની હોનારતની યાદ અપાવી હતી અને માળીયા વાસીઓ ગઈકાલના દિવસ અને રાત્રીને ક્યારેય ભૂલી ન શકે એવી પરિસ્થિતિ સર્જી દીધી હતી, જોકે સદનસીબે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વહીવટી તંત્રની સૂઝ-બુઝ અને અગમચેતીને કારણે માળીયા-મોરબી પંથકમાં તબાહી મચાવનાર પાણીના પ્રવાહને કારણે એક પણ જાનહાની નો બનાવ પામ્યો નથી.
ઉલ્લેખનીય છે કે ગઈકાલની પૂરની પરિસ્થિતિમાં કુદરતે સામાન્ય માનવી ની સાથે સાથે સરકારી તંત્ર ને પણ ઝપટમાં લઈ લીધું હતું અને માલિયાની મામલતદાર કચેરીમાં પણ ચાર થી પાંચ ફુટ પાણી ભરાઈ ગયા હતા આમ છતાં સ્થાનિક મામલતદાર કચેરીના સ્ટાફે આપતિની પરિસ્થિતિમાં સતત ખાડે પગે રહી રાહત બચાવ કામગીરી કરી હતી.
પૂર અસરગ્રસ્તોએ તાલુકાશાળામાં રાત વિતાવી
મોરબી:માળીયા માં ગઈકાલે ભારે પૂરને કારણે નીચાણવાળા વાંઢ,માલાણીવાસ તેમજ અન્ય પછાત વિસ્તારોમાં પાણી ઘુસી જતા પૂર અસરગ્રસ્તોને રેસ્ક્યુ કરી અત્રેની તાલુકાશાળામાં આશ્રય આપવામાં આવ્યો હતો.જેમાં કેટલાક વિસ્તારોમાં પૂર્ણ પાણી ઓસરતા લોકો રાત્રીના પોતાના ઘેર જતા રહ્યા હતા. પરન્તુ નિચાણવાળા અનેક વિસ્તારોમાં રાત્રીના પણ બબ્બે ફુટ પાણી ભરેલા હોવાથી અનેક ગરીબ કુટુંબોએ તાલુકાશાળામાં જ રાતવાસો કરી ભારે હૈયે રાત ગુજારી હતી.
ઉલ્લેખનીય છે કે તાલુકાશાળામાં રાતવાસો કરનાર ગરીબ પરિવારો માટે સ્થાનિક મામલતદાર કચેરી અને સેવાભાવી લોકો દ્વારા ફુડપેકેટની વ્યવસ્થા કરી લોકોને ભોજનની વ્યવસ્થા કરાવી હતી.