ખેડુતોનાં પાકને નુકસાનનો ભય: લિકેજ લાઈન વહેલીતકે રિપેર કરાવો
વઢવાણ તાલુકાના ખેડુતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે તંત્ર દ્વારા માળોદ કેનાલ વાઘેલા થઈને વઢવાણ તરફ પસાર કરવામાં આવી છે. આ ઉપરાંત વાઘેલા રોડ પરથી સીમમાં આવેલા ખેતરોમાં પાઈપલાઈન નાખવામાં આવી હતી. હાલ આ પાઈપલાઈનમાં પાણી છોડવામાં આવતા ઠેર-ઠેર લાઈન લીકેજ થવાની સમસ્યા સર્જાઈ છે. આ ઉપરાંત કેનાલો પણ ઠેર-ઠેર લીકેજ થઈ છે. જેના કારણે ખેડુતોના પાકને નુકસાન થવાનો ભય ઉભો થયો છે. આ અંગે બાજુબાબેન, લાલુભા, ખોડુભા, જયરાજસિંહ, પટેલ જયેશ સહિતનાઓએ જણાવ્યું કે, પાડાસર અને ખારા વિસ્તારોમાં નર્મદા કેનાલ ઠેર-ઠેર લીકેજ અને તુટેલી હાલતમાં છે. અગાઉ પણ આ લાઈન હલકી ગુણવતાની નાખી હતી. જે અંગે લેખિત રજુઆત કરી હતી. હાલ કપાસ સહિતના પાકનું વાવેતર કરી દીધું છે ત્યારે ખેતરમાં અનેક જગ્યાએ લાઈન લીકેજ થવાના કારણે પાણી ભરાઈ જાય છે.
તેમજ તેના કારણે જમીનને પણ નુકસાન થાય છે. વાઘેલા અને આસપાસના વિસ્તારમાં ૫૦થી વધુ ખેડુતોના ખેતરોમાંથી આ લાઈન પસાર થાય છે. જેના કારણે બીજા ખેડુતોને પણ નુકસાન થવાનો ભય ઉભો થયો છે. આથી તંત્ર દ્વારા વહેલીતકે લીકેજ લાઈનનું રીપેરીંગ કામ હાથ ધરાય તેવી ખેડુતોની માંગ છે.