આજી ફિલ્ટર પ્લાન્ટ ખાતે વાલ્વ રીપેરીંગ, મવડી પમ્પીંગ સ્ટેશન પર જીએસઆરની સફાઈ કામગીરી સબબ વોર્ડ નં.૮, ૧૦, ૧૧, ૧૨ અને ૧૩નાં લોકોને મંગળવારે નહીં મળે પાણી
ભરચોમાસે મહાપાલિકા દ્વારા રાજકોટવાસીઓ પર પાણીકાપનો કોરડો વિંઝવામાં આવ્યો છે. આગામી ૯ જુલાઈનાં રોજ શહેરનાં ૫ વોર્ડમાં પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત આજે વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવી છે. મંગળવારે ૫ વોર્ડનાં લાખો લોકોએ પાણી વિના ટળવળવું પડશે.
મહાપાલિકાનાં ઈજનેરી સુત્રોનાં જણાવ્યા અનુસાર વોટર વર્કસ શાખા હસ્તકનાં આજી ફિલ્ટર પ્લાન્ટ નં.૩ પર વાલ્વ રીપેરીંગનાં કામ ઉપરાંત મવડી (પુનિતનગર) પમ્પીંગ સ્ટેશન પર જીએસઆર સફાઈની કામગીરી તથા ઈલેકટ્રીક મીકેનીકલ મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવાની હોવાનાં કારણે આગામી ૯ જુલાઈને મંગળવારનાં રોજ મવડી (પુનિતનગર) પમ્પીંગ સ્ટેશન હેઠળ આવતા વોર્ડ નં.૮ (પાર્ટ), વોર્ડ નં.૧૦ (પાર્ટ), વોર્ડ નં.૧૧ (પાર્ટ), વોર્ડ નં.૧૨ અને વોર્ડ નં.૧૩ (પાર્ટ) હેઠળ આવતા વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. મહાપાલિકા દ્વારા એક યા બીજા કારણોસર વારંવાર પાણી કાપ લાદી દેવામાં આવે છે. હાલ તમામ જળાશયોમાં પુરતું પાણી હોવા છતાં શહેરીજનો પર ભરચોમાસે પાણી કાપનો કોરડો વિંઝવામાં આવ્યો છે.