મોરબી જિલ્લાના હળવદ ખાતે યોજાયો સુજલામ – સુફલામ જળસંચય અભિયાન સમાપન સમારોહ
ગુજરાત ગૌરવદિન ૧લી મેથી ૩૧ મેના એક માસ સુધી સમ્રગ ગુજરાત રાજયમાં સુજલામ-સુફલામ યોજના હેઠળ પ્રારંભ કરાયેલ જળસંચય અભિયાન અંતર્ગત આજે મોરબી જિલ્લાનો જળ સંચય અભિયાન સમાપન સમારોહ સ્વર્ણીમ ગુજરાત ૫૦ મુદા અમલીકરણ સમિતિના અધ્યક્ષશ્રી ઇન્દ્રવિજયસિંહ જાડેજા તથા જિલ્લાના જળસંચય સમિતિના સભ્યશ્રી રાજુભાઈ ધૃવની ઉપસ્થિતીમાં હળવદના સામતસર તળાવ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા માતાજીની આરતી કરી નર્મદા જળના ૧૧ કળશનું વૈદિક શાસ્ત્રોકત વિધિપૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પૂજનવિધી સાથે સામતસર તળાવમાં નર્મદાજળ ને અર્પણ કરવામાં આવ્યું હતું આ શુભ કાર્યમાં મહાનુભાવો સાથે પ્રજાજન પણ જોડાયા હતા. ખાસ અગત્યની વાતએ બની કે ચરાડવા પાસે આવેલ મહાકાળી માતાજી મંદિરના ૧૨૨ વર્ષની ઉમરના વયોવૃદ્ધ પવિત્ર સંત મહાત્મા પૂજ્ય શ્રી દયાનંદગીરી મહારાજે તેમના શિષ્ય સાથે ઉપસ્થિત રહી આ મહા જળ અભિયાનને અઢળક આશીર્વાદ આપી સમાપન સમારંભની ગરિમા વધારી હતી.
આ પ્રસંગે અધ્યક્ષશ્રી આઇ.કે.જાડેજાએ સુઝલામ સુફલામ યોજના અંતર્ગત યોજાયેલ જળસંચય અભિયાન અંગે જણાવ્યું હતુ કે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની આ સરકારે વિકાસ માટેની આયોજનની સારી વ્યવસ્થા આપવાનું કામ સારી રીતે કર્યુ છે. સરકારે ગત વર્ષે અપુરતા વરસાદથી પાણીની અછતના કપરા સમયની આ આફતને જળસંચય અભિયાન થકી આફતને એક અવસરમાં પલટાવવાનું ભગીરથ કાર્ય કર્યુ છે.
રાજયમાં આ અભિયાન હેઠળ ૧૮ હજાર કામો હાથ ધરાયા છે. જેમાં ૧૩ હજાર થી વધુ જળાશયોને ઉંડા ઉતારાયા છે. આ કામોમાં ૧૧ લાખ ઘનફુટ માટી ઉપાડવામાં આવી છે. જેનાથી આવનાર ચોમાસા દરમિયાન જળાશયોમાં લાખો ઘનફુટ વધારાનું પાણી સંગ્રહ થશે. આ કામ હેઠળ જળસ્ત્રોતને ઉંડા કરવાથી જિલ્લામાં ૨.૪૩ લાખ ઘનમીટર માટી કાઢવામાં આવી છે. સામતસર તળાવ પણ ઉંડુ ઉતારાતા હળવદ શહેરને પાણી સંગ્રહક્ષેત્રે સારો ફાયદો થશે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ઉપાધ્યક્ષ અને મોરબી જિલ્લા જળસંચય અભિયાનના સભ્યશ્રી રાજુભાઇ ધ્રુવે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ અછત જેવી પરિસ્થિતમાં જળસ્ત્રોતો ખાલી હતા એવા સમયે સમયસર આ જળસંચય અભિયાનનો પ્રારંભ કરાવ્યો જે ગુજરાતના અને ખેડુતોના વિકાસ માટે ધણુ લાભકારક બની રહેશે.આ કામોથી જળાશયોની પાણી સંગ્રહ શકિત ધણી વધી જશે. ઉંડા ગયેલા પાણીના તળ ઉપર આવશે. સરકારે શરૂ કરેલ અભિયાનમાં સમગ્ર લોકો અને સંસ્થાઓ જોડાતા આ અભિયાન જન અભિયાન બની ગયુ છે.
ગુજરાતમાં શરૂ કરેલ આ જળ સંચય અભિયાન જળસંચયક્ષેત્રે ભારતમાં કયારેય નથી થયુ તેવા પ્રકારનું મહાજળસંચય અભિયાન બની ગયું છે. આ અભિયાનમાં મોરબી જિલ્લામાં ધણુ સુંદર કાર્ય થયુ છે. જિલ્લા કલેક્ટર શ્રી આર જે મં૧કડીયા અને તેમની ટિમ અને આ અભિયાન માં જોડાયેલ સમગ્ર તંત્ર ને ઉત્કૃષ્ટ કામગીરી માટે અભિનંદન આપતા જણાવ્યું કે આ જળસંચય અભિયાન નો લાભ આવનારા ચોમાસામાં અનેકગણો મળી રહેશે લાખો ધનફુટ પાણીનો વધારાનો સંગ્રહ થશે તેમ તેમણે જણાવ્યું હતું
પહેલી મેથી એકત્રીસ મે સુધીમાં સુજલામ સુફલામ્ જળ અભિયાનમાં પાણી સંગ્રહના એવા અદભૂત કામો થયા કે ’ન ભૂતો ન ભવિષ્યતિ’ આટલા ટુંકા ગાળામાં આટલા કામો એ વિશ્વ રેકોરડ કામગીરી છે. હવે સૌરાષ્ટ્રમાં તો કાયમી પાણી સમસ્યા અને દુષ્કાળ ને દેશવટો આવો સરળ અને સસ્તો ઉપાય કેમ અત્યાર સુધી કોઈને ન સુજયો? આ માટે સંવેદના હોવી જરૂરી છે. ગુજરાત સરકારને ટુંકા ગાળાની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવતા રાજુભાઈ ધ્રુવે આ કાર્યક્રમ ઉપસ્થિત જિલ્લા પ્રભારી સચિવશ્રી મોનાબેન ખંધાર, કલેક્ટર શ્રી આર માંકડીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ. ખટાણા, પ્રાત અધિકારીશ્રી એસ.જે. ખાચર, ડેપ્યુટી કલેક્ટર જિજ્ઞાસાબેન ગઢવી,નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામદેવસિંહ ગોહિલ,જિલ્લા ખતિવાડી અધિકારીશ્રી ગજેરા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી રાઘવજીભાઇ ગડારા, જિલ્લા સંગઠન પ્રભારી મેઘજીભાઇ કણજારીયા, મહામંત્રી જ્યોતિસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ, પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવે, તેમજ હળવદ નગરપાલીકાના પ્રમુખશ્રી હિનાબેન રાવલ, વિજય લોખીલ, તથા જિલ્લાના વિવિધ પદાધિકારીઓ અગ્રણીઓ સહિતનાઓની કામગીરી બિરદાવી હતી.