છેક જનકલ્યાણ હોલ સુધી પાણીની નદીઓ વહી: વિતરણ પર કોઇ અસર નહિ
એક તરફ કોર્પોરેશન દ્વારા રાજકોટવાસીઓ પર પાણીકાપ ઝીંકવામાં આવી રહ્યો છે તો બીજી તરફ વાલ્વમાં ભંગાણ સર્જાવવાના કારણે હજ્જારો લીટર મહામૂલા પાણીનો વેડફાટ થઇ રહ્યો છે.
આજે બપોરના સુમારે શહેરના વોર્ડ નં.8માં અમિન માર્ગ પર સાગર ટાવર પાસે ડિસ્ટ્રીબ્યૂશનના 150 એમ.એમ.ના વાલ્વની ડિસ્કમાં ભંગાણ સર્જાવવાના કારણે છેક જનકલ્યાણ હોલના ફાટક સુધી પાણી પહોંચ્યું હતું. રોડ પર જાણે નદીઓ વહેતી હોય તેવું શહેરીજનોને મહેસૂસ કર્યું હતું.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના અમિન માર્ગ પર સાગર ટાવરની સામે પટેલ ભેળ પાસે આજે બપોરે પાણી વિતરણ માટેના ડિસ્ટ્રીબ્યૂશનના મેઇન વાલ્વની ડિસ્કમાં ભંગાણ પડ્યું હતું.
જેને રિપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે, વિતરણ પૂર્ણ થયા બાદ રિપેરીંગ શરૂ કરવામાં આવ્યુ હોવાના કારણે વિતરણ વ્યવસ્થા પર કોઇ અસર પડી ન હતી.