આજી હેડવર્કસ ખાતે પાઈપલાઈન જોડાણની કામગીરી સબબ વોર્ડ નં.૧૪ (પાર્ટ), વોર્ડ નં.૧૫ (પાર્ટ) વોર્ડ નં.૧૬ (પાર્ટ) અને વોર્ડ નં.૧૮ (પાર્ટ)માં પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત
ઉનાળાનો હજુ તો આરંભ પણ થયો નથી ત્યાં મહાપાલિકા દ્વારા શહેરીજનો પર પાણીકાપના કોરડા વિંઝવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ગુરૂવારે સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન તથા વિપક્ષી નેતાના મત વિસ્તાર સહિત શહેરના ૪ વોર્ડમાં પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત આજે કરવામાં આવી છે.
ઈસ્ટ ઝોન કચેરીના સિટી એન્જીનીયર (સ્પે.)ના જણાવ્યાનુસાર નેશનલ હાઈવે પર આવેલ આજી હેડવર્ક હેઠળની ૧૮ ઈંચની પાઈપ લાઈન સાથે નવી નાખવામાં આવેલી ૫૦૮ મીમી ડાયા પાઈપલાઈનનું જોડાણ કરવાની કામગીરી હાથ ધરવાની હોય આગામી તા.૫ને ગુરૂવારના રોજ શહેરના ઈસ્ટ ઝોન વિસ્તારમાં આજી હેડ વર્કસ હેઠળ ૧૮ ઈંચ પાઈપ લાઈન આધારિત વિસ્તારો વોર્ડ નં.૧૪ (પાર્ટ), વોર્ડ નં.૧૫ (પાર્ટ) વોર્ડ નં.૧૬ (પાર્ટ) અને વોર્ડ નં.૧૮ (પાર્ટ)માં પાણી વિતરણ બંધ રહેશે.
ઉનાળાના આરંભે જ પાણી કાપ શરૂ કરી દેવામાં આવ્યો છે. શહેરીજનોને નિયમીત પાણી મળી રહે તે માટે સૌથી યોજના અંતર્ગત આજી અને ન્યારી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવાની માંગણી રાજ્ય સરકાર સમક્ષ મુકી દેવામાં આવી છે. પરંતુ હજુ સુધી સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો નથી. આજી ડેમ ચાલુ માસના અંત સુધીમાં ડુકી જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. આવામાં જો આવતા સપ્તાહી નર્મદાનું પાણી ઠાલવવાનું શરૂ નહીં કરાય તો શહેરીજનોએ પાણીની હાડમારી વેઠવાની તૈયારી રાખવી પડશે.