રૈયા ફિલ્ટર પ્લાન્ટથી સોજીત્રાનગર હેડ વર્ક્સ સુધીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાવવાના કારણે વોર્ડ નં.2, 8 અને 10ના અનેક વિસ્તારોમાં વિતરણ ચાર કલાક મોડું
ભાદર ડેમથી રાજકોટ સુધીની પાઇપલાઇનમાં ઠેર-ઠેર લીકેજ હોવાના કારણે તેની રિપેરીંગની કામગીરી સબબ આજથી બે દિવસ શહેરમાં પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે. આજે વોર્ડ નં.11, 12 અને 13ના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું છે. દરમિયાન ગઇકાલે મોડી રાત્રે રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટથી સોજીત્રા નગર હેડ વર્ક્સ સુધીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાવવાના કારણે ત્રણ વોર્ડમાં વિતરણ વ્યવસ્થા ખોરવાઇ જવા પામી હતી. વોર્ડ નં.2, 8 અને 10માં નિર્ધારિત સમય કરતા ચાર કલાક મોડું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભાદરથી રાજકોટ સુધીની પાઇપલાઇનમાં લીકેજ રિપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવતાં આજે ત્રણ વોર્ડમાં અને આવતીકાલે પણ ત્રણ વોર્ડમાં પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત મહાપાલિકા દ્વારા બે દિવસ પહેલા કરવામાં આવી હતી. બીજી તરફ ગઇકાલે મોડી રાત્રે 2:45 કલાકે 150 ફૂટ રીંગ રોડ પર રૈયા ફિલ્ટર પ્લાન્ટથી સોજીત્રાનગર હેડ વર્ક્સ તરફ જતી પાઇપલાઇનમાં મોદી સ્કૂલ પાસે ભંગાણ સર્જાયું હતું. તાત્કાલીક અસરથી રિપેરીંગ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
છતાં આજે ત્રણ વોર્ડમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઇ જવા પામી હતી. વોર્ડ નં.2, વોર્ડ નં.8 અને વોર્ડ નં.10ના અલ્કાપુરી, અમરજીત નગર, ગીત ગુર્જરી સોસાયટી, સખ્યાનગર, આરાધના સોસાયટી, નહેરૂનગર, રઝાનગર, સુભાષનગર, વંદન વાટીકા, આર.કે. પાર્ક, છોટુનગર, સ્વપ્નસિધ્ધી સોસાયટી, દિવ્યસિધ્ધી પાર્ક, સંકલ્પસિધ્ધ પાર્ક, શ્રીજીનગર, ચુડાસમા પ્લોટ, ધ્રુવનગર, પત્રકાર સોસાયટી, એરપોર્ટ રોડ, રૈયા રોડ ઉપરાંત સોજીત્રા નગર ઇએસઆર-જીએસઆરમાંથી જે ત્રણ વોર્ડમાં પાણી વિતરણ કરવામાં આવે છે ત્યાં આજે નિર્ધારિત સમય કરતા ત્રણ કલાક મોડું પાણી વિતરણ કરવામાં આવ્યું હતું. આજે વોર્ડ નં.11, 12 અને 13ના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ છે. દરમિયાન આવતીકાલે વોર્ડ નં.7, 14 અને 17માં પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે.