ન્યારી ફિલ્ટર પ્લાન્ટ ખાતે જીએસઆર સફાઈની કામગીરી હાથ ધરવાની હોય વોર્ડ નં.2,7,8,10 અને 11માં અઠવાડિયામાં બે વાર વિતરણ બંધ રહેશે
મહાપાલિકા દ્વારા રાજકોટવાસીઓ પર આડકતરો પાણીકાપ મૂકવાની રાજ રમત યથાવત રાખવામાં આવી છે.ગઈકાલે શહેરના બે વોર્ડમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યુ હતું. દરમિયાન આજે નપાણીયા તંત્ર દ્વારા વધુ એક પાણીકાપની જાહેરાત કરવામાં આવી છે.ન્યારી ફિલ્ટર પ્લાન્ટ ખાતે પાણીના ટાંકાની સફાઈ કામગીરી હાથ ધરવાની હોય આગામી બુધવાર અને શનિવારના રોજ શહેરના પાંચ વોર્ડના લાખો લોકો પાણી વિના ટળવળશે.ઉનાળાના આકરા તાપમા પણ કોર્પોરેશનનું નિંભર તંત્ર લોકોને નિયમિત માત્ર 20 મિનીટ પીવાનું પાણી આપવામાં પણ રીતસર નિષ્ફળ નિવડી રહ્યું છે. ચોમાસાના દિવસો નજીક આવી રહ્યા છે છતાં હજી પાણીકાપોત્સવનો સિલસિલો યથાવત છે.
રાજકોટવાસીઓને ચોમાસા સુધી પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંગત રસ લઈ રાજ્ય સરકારની મહત્વકાંક્ષી એવી સૌની યોજના અંતર્ગત રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા મુખ્ય બંને જળાશયો આજી અને ન્યારી ડેમમાં ચોમાસા સુધી ચાલે તેટલું નર્મદાના નીર ઠાલવી દીધું છે છતાં એક યા બીજા કારણોસર કોર્પોરેશન દ્વારા શહેરીજનો ઉપર પાણીકાપ ઝીંકવામાં આવી રહ્યો છે. ગત સપ્તાહે પણ અલગ-અલગ કારણોસર અલગ-અલગ વોર્ડમાં બે વખત પાણીકાપ લાદવામાં આવ્યો હતો. દરમિયાન આજે ઉઘડતા સપ્તાહે ફરી મહાપાલિકા દ્વારા પાણીકાપની જાહેરાત કરી દેવામાં આવી છે. આ અઠવાડિયામાં પણ પાંચ વોર્ડને બે દિવસ પાણી મળશે નહીં.
મહાપાલિકાની વોટર વર્કસ શાખાના એડિશનલ સિટી એન્જિનિયર યાદીમાં જણાવ્યા અનુસાર વોટર વર્કસ શાખા હસ્તકના ન્યારી ફિલ્ટર પ્લાન્ટ ખાતે આગામી તા.2 જુનને બુધવારે જીએસઆર નંબર 1 અને 2 જ્યારે તા. 5 જૂનને શનિવારના રોજ જીએસઆર નંબર 3,4 અને 5 ની સફાઈ કામગીરી હાથ ધરવાની હોય ન્યારી ફિલ્ટર પ્લાન્ટ તથા સોજીત્રાનગર પંપીંગ સ્ટેશન આધારિત વોર્ડ નંબર 2 (પાર્ટ),વોર્ડ નંબર 7 (પાર્ટ), વોર્ડ નંબર 8 (પાર્ટ), વોર્ડ નંબર 10 (પાર્ટ) અને વોર્ડ નંબર 11 (પાર્ટ)માં આગામી બુધવાર અને શનિવારે પાણી વિતરણ બંધ રાખવામાં આવશે.
શહેરની જળ જરૂરિયાત સંતોષતા મુખ્ય બન્ને જળાશયોમાં પાણી હિલોળા લઈ રહ્યું છે.છતાં તંત્રની અણઆવડતના કારણે શહેરીજનોએ છાશવારે પાણીકાપ વેઠવો પડે છે. છેલ્લા એક મહિનાથી સતત પાણી કાપોત્સવ ચાલી રહ્યો છે.છતાં શાસકો દ્વારા અંગત રસ લઈ રાજકોટવાસીઓને પાણી કાપમાંથી મુક્તિ અપાવવા માટે ગંભીરતાથી કોઈ કામગીરી કરવામાં આવતી નથી. કાળઝાળ ઉનાળામાં પાણીકાપના સિલસીલાથી શહેરીજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. વિરોધપક્ષના નેતા પદે હવે મહિલા સતારૂઠ છે.છતાં ગૃહિણીઓને સિધ્ધિ અસર કરતા પાણીકાપ સામે વિપક્ષી નેતા પણ કશું બોલવાની કે વિરોધ કરવાની તસ્દી લેતા નથી.આ પાણી કાપની પળોજણમાંથી લોકોને ક્યારે મુક્તિ મળશે તે કહેવું કે કળવુ મુશ્કેલ બની ગયુ છે.