પુનિતનગર પમ્પીંગ સ્ટેશન પર જીએસઆરની સફાઈ તથા ઈએસઆર મેઈન સપ્લાય લાઈન પર વાલ્વ ઈન્સ્ટોલ કામ કરવા સબબ કાલે વોર્ડ નં.૮ (પાર્ટ), વોર્ડ નં.૧૦ (પાર્ટ), વોર્ડ નં.૧૧ (પાર્ટ), વોર્ડ નં.૧૨ (પાર્ટ) અને વોર્ડ નં.૧૩ (પાર્ટ)માં વિતરણ બંધ રહેશે
પવિત્ર શ્રાવણ માસના આરંભે જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને જાણે પાણી કાંપની સોગાદ આપવામાં આવી રહી હોય તેમ કાલે પુનિતનગર પમ્પીંગ સ્ટેશન હેઠળ આવતા પાંચ વોર્ડના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. એક તરફ મેઘરાજા મહેર વરસાવી રહ્યાં છે તો બીજી તરફ મહાપાલિકાની અણઆવડતના પાપે કાલે શ્રાવણના પ્રથમ દિવસે જ લાખો લોકો પાણી વીનાના રહેશે.
રાજકોટ મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાના એડીશ્નલ સિટી એન્જીનીયરની એક યાદીમાં જણાવ્યા મુજબ મવડી (પુનિતનગર) કમ્પીંગ સ્ટેશન પર જીએસઆર સફાઈની કામગીરી તથા ઈએસઆર મેઈન સપ્લાય લાઈન પર વાલ્વ ઈન્સ્ટોલ કરવાની કામગીરી હાથ ધરવાની હોય પમ્પીંગ સ્ટેશન હેઠળ આવતા વોર્ડ નં.૮ (પાર્ટ), વોર્ડ નં.૧૦ (પાર્ટ), વોર્ડ નં.૧૧ (પાર્ટ), વોર્ડ નં.૧૨ (પાર્ટ) અને વોર્ડ નં.૧૩ (પાર્ટ)ના અનેક વિસ્તારોમાં કાલે મંગળવારે પાણી વિતરણ બંધ રાખવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અષાઢ માસમાં મેઘરાજાએ અનરાધાર કૃપા વરસાવતા રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા મુખ્ય ૫ જળાશયો પૈકી લાલપરી અને ન્યારી-૨ ડેમ છલકાઈ ગયા છે. જ્યારે ભાદર, આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં પણ પાણીની માતબર આવક થવા પામી છે. છતાં જાણે રાજકોટવાસીઓના નસીબમાં કાયમી પાણી સુખ લખ્યું ન હોય તેમ એક યા બીજા કારણોસર મહાપાલિકા દ્વારા પાણી કાપના કોરડા વિંઝવામાં આવી રહ્યાં છે.