એકસપ્રેસ ફિડર લાઈન પરનો ભરોસો તુટયો: ન્યારી પમ્પીંગ સ્ટેશને હવે ૩૫નાં બદલે ૮૫ એમએલડી નર્મદાનું પાણી આપવા સરકારમાં ખોળો પાથરશે કોર્પોરેશન
રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા જળાશયોમાં મેઘરાજાની અમીદ્રષ્ટિથી સતત પાણીની આવક થઈ રહી છે. બીજી તરફ વરસાદ ખેંચાય તો પણ રાજકોટવાસીઓને પાણી પ્રશ્ર્ને હાડમારી વેઠવી ન પડે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંગત રસ લઈ ચોમાસા પૂર્વે જ આજી અને ન્યારી ડેમમાં નર્મદાનાં પાણી ઠાલવી દીધા છે. ભાદરમાં પણ નર્મદાનું પાણી એકાદ-બે દિવસમાં પહોંચી જશે પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ કોર્પોરેશનની અયોગ્ય વ્યવસ્થાનાં કારણે ભરચોમાસે શહેરમાં પાણીનાં ધાંધીયા સર્જાય રહ્યા છે. એકસપ્રેસ ફિડર લાઈનમાં ભંગાણ પડવા અને નર્મદાનાં નીર ઓછા મળવાનાં કારણે આજે શહેરનાં બે વોર્ડમાં પાણી વિતરણ વ્યવસ્થા એકથી લઈ છ કલાક સુધી ખોરવાય જવા પામી છે. મહત્વકાંક્ષી ગણાતી એવી એકસપ્રેસ ફિડર લાઈન પરથી તંત્રને હવે ભરોસો ઉઠી ગયો છે. આવામાં પાણીના ધાંધીયા ખાળવા માટે હવે સરકાર સમક્ષ ખોળો પાથરી ન્યારી પમ્પીંગ સ્ટેશન ખાતે વધુ નર્મદાનું નીર માંગવામાં આવશે.
છેલ્લા એક સપ્તાહથી સતત શહેરમાં પાણીનાં ધાંધીયા સર્જાય રહ્યા છે. એક યા બીજા કારણોસર મહાપાલિકા દ્વારા પાણીકાપનાં કોરડા પણ વિંઝવામાં આવી રહ્યા છે. એકસપ્રેસ ફિડર લાઈનમાં ભંગાણ સર્જાવાનાં કારણે ન્યુ રાજકોટમાં લાગલગાટ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ રહી છે. એક ઝોનમાંથી બીજા ઝોનમાં પાણી ટ્રાન્સફર કરવા માટેની મહત્વપૂર્ણ ગણાતી એકસપ્રેસ ફિડર લાઈન પરથી પણ હવે તંત્રને ભરોસો ઉઠી ગયો છે. ન્યારી ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ તરફ જતી એકસપ્રેસ ફિડર લાઈનને લગભગ આઠેક વર્ષ વિતી ગયા છે. ડેમ પાસેની જમીનમાં ભેજનું પ્રમાણ વધુ હોવાનાં કારણે ક્ષાર જામી જાય છે જેના કારણે એકસપ્રેસ ફિડર લાઈનની સ્ટીલની પાઈપલાઈનમાં સતત ભંગાણ સર્જાય છે. છેલ્લા ૩ દિવસથી સતત આ લાઈન તુટી રહી છે. ગઈકાલે મોડીરાત્રે લાઈનનું રીપેરીંગ કામ પૂર્ણ થયું હતુ.
દરમિયાન આજે સવારે શહેરનાં વોર્ડ નં.૩માં રેલનગર વિસ્તાર કે જયાં સવારે ૫ વાગ્યે પાણી વિતરણ કરવામાં આવે છે ત્યાં આજે ૧૧ વાગ્યા પછી પાણી વિતરણ કરવામાં આવ્યું હતું. રૈયાધાર ખાતે પુરતા નર્મદાનાં નીર ન મળવાનાં કારણે આ સમસ્યા સર્જાય હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત શહેરનાં સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નં.૬માં પણ આજે એક કલાક વિતરણ મોડુ થયું હતું. આજી ફિલ્ટર પ્લાન્ટ ખાતેથી દુધસાગર પમ્પીંગ સ્ટેશન પર સમયસર પાણી સપ્લાય ન થવાનાં કારણે લેવલ ઘટયું હતું જેના કારણે વિતરણ વ્યવસ્થા પર અસર પડી હતી. એકસપ્રેસ ફિડર લાઈનમાં ભંગાણ સર્જાવાની ઘટના હવે રોજીંદી બની જવા પામી છે. આવામાં હાલ ન્યારી ફિલ્ટર પ્લાન્ટ ખાતે રાજય સરકાર દ્વારા જે ૩૫ એમએલડી નર્મદાનું પાણી આપવામાં આવે છે તે વધારીને ૮૫ એમએલડી કરવા માટે પણ રજુઆત કરવામાં આવશે તેવી ખાતરી મેયર બિનાબેન આચાર્ય દ્વારા આપવામાં આવી છે. ભરચોમાસે શહેરમાં પાણીનાં અનરાધાર ધાંધીયા સર્જાવવાનાં કારણે ગૃહિણીઓમાં જબરો દેકારો બોલી જવા પામ્યો છે.