રૈયા ચોકડી, ભકિતનગર સર્કલ, પ્રેમમંદિર, બસ સ્ટેશન, ગ્રીનલેન્ડ ચોકડી, ગોંડલ ચોકડી, ત્રિકોણબાગ,
હોસ્પિટલ ચોક, મવડી ચોકડી સહિતના સ્થળોએ તરસ્યાઓની આંતરડી ઠારતી સેવાકિય પ્રવૃત્તિ
કાળઝાળ ઉનાળામાં લોકોની આતરડી ફઠારવા માટે રાજકોટ મહાનગરપાલિકા અને શહેરની અલગ-અલગ સેવાકિય સંસ્થાઓ દ્વારા શહેરમાં અલગ-અલગ ૨૮ સ્થળોએ પાણી અને છાશ વિતરણની સેવા શરૂ કરવામાં આવી છે.
જેમાં લાઈફ નામની સંસ્થા દ્વારા રૈયા ચોકડી ખાતે, આર.કે. નામની સંસ્થા દ્વારા ભકિતનગર સર્કલ ખાતે, માનવમંદિર દ્વારા કમિશનરના બંગલાની નજીક અને પ્રેમમંદિર પાસે, જયદિપભાઈ નામના એક સેવાકીય આગેવાન દ્વારા બસ સ્ટેન્ડ પાસે, ગ્રીનલેન્ડ ચોકડી પાસે, ગોંડલ રોડ ચોકડી પાસે, ત્રિકોણબાગ પાસે જયારે બોલબાલા ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલ ચોક અને પથિકાશ્રમની બહારની બાજુમાં, મહાત્મા ગાંધી ટ્રસ્ટ દ્વારા શાસ્ત્રીમેદાનની બહાર બસ સ્ટેન્ડની બાજુમાં, મહાત્મા ગાંધી શાળાની બહાર, બીએપીએસ દ્વારા મવડી ચોકડી ખાતે, બ્રહ્માકુમારીઝ દ્વારા અલગ-અલગ ૧૦ સ્થળોએ જયારે સીતારામ અન્નક્ષેત્ર દ્વારા અલગ-અલગ પાંચ સ્થળોએ મહાપાલિકાના સહયોગથી પાણી અને છાશ વિતરણની સેવાકીય પ્રવૃતિ શરૂ કરવામાં આવી છે. આજે સવારે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા અલગ-અલગ સ્થળોની મુલાકાત લઈ સેવાકીય પ્રવૃતિને બિરદાવવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉનાળાના દિવસોમાં જો કોઈ સેવાકિય સંસ્થા કે વ્યકિત પાણીનું કે છાશનું પરબ શરૂ કરવા
માંગતું હોય તો તેને કોર્પોરેશનની મંજુરી લેવાની આવશ્યકતા નથી.