ઓછા વસ્ત્રો પહેરેલી મહિલાઓના ઉશ્કેરણીજનક ડાન્સ જોવાને અશ્લીલતા કહી શકાય નહીં અને આ કૃત્યને ગુનો ગણી શકાય નહીં તેવું અવલોકન કરીને બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચે સાડા ચાર મહિના પહેલા પાંચ આરોપીઓ સામે નોંધાયેલી એફઆઈઆરને રદ કરી દીધી છે. આ કેસમાં પોલીસે 6 ડાન્સર અને અન્ય 13 લોકો સામે અશ્લીલતા ફેલાવવા બદલ કેસ નોંધ્યો હતો.
મહિલાઓને વસ્ત્ર સ્વતંત્રતા હોવી જરૂરી : અદાલતે ફરિયાદ રદ્દ કરી
જસ્ટિસ વિનય જોશી અને જસ્ટિસ વાલ્મિકી મેનેઝીસની ડિવિઝન બેન્ચે કહ્યું કે, વર્તમાન સમયમાં મહિલાઓ માટે સ્વિમિંગ કોસ્ટયુમ અથવા અન્ય ખુલ્લા પોશાક પહેરવા સ્વીકાર્ય અને સામાન્ય છે. શોર્ટ સ્કર્ટ પહેરીને ડાન્સ કરવાની બાબતને પોલીસ અધિકારીઓએ એફઆઈઆરમાં અશ્લીલ ગણાવ્યો છે પણ તેને અશ્લીલતા ગણી શકાય નહીં.
સેન્સર બોર્ડમાંથી પસાર થતી ફિલ્મો કે સૌંદર્ય સ્પર્ધાઓમાં પ્રેક્ષકોને ખલેલ પહોંચાડ્યા વિના લોકો ઘણીવાર જાહેરમાં આવા કપડાં પહેરે છે… તેથી આઈપીસીની કલમ 294 (અશ્લીલ કૃત્યો અથવા શબ્દો માટે સજા) આ કિસ્સામાં લાગુ થશે નહીં. હાઈકોર્ટે કહ્યું હતું કે અશ્લીલતાનું નિર્માણ કરતા કૃત્યો પર સંકુચિત દૃષ્ટિકોણ લેવો તે અમારા તરફથી પ્રતિગામી હશે.
બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે અમે પ્રગતિશીલ અભિગમ પસંદ કરીએ છીએ અને નિર્ણય પોલીસ પર છોડવા તૈયાર નથી. અમે એવી પરિસ્થિતિનો સામનો કરવામાં અસમર્થ છીએ કે જ્યાં એફઆઈઆરમાં ઉલ્લેખિત કૃત્યોનો નિર્ણય પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવશે જે આ કૃત્યોને અશ્લીલ અને જનતા માટે ખલેલ પહોંચાડે તેવું માને છે.
અરજદારોએ એડવોકેટ અક્ષય નાઈક મારફત ઉમરેડ પોલીસ સ્ટેશનમાં 31 મેના રોજ આઈપીસીની કલમ 294 અને 34, મહારાષ્ટ્ર પોલીસ એક્ટની કલમ 110,131એ, 33એ, 112 અને 117 અને મહારાષ્ટ્રની કલમ 65(ઈ) હેઠળ એફઆઈઆર નોંધાવી હતી. આ કેસ નોંધવામાં આવ્યો હતો જ્યારે પોલીસે એક ખાનગી રિસોર્ટના બેન્ક્વેટ હોલમાં દરોડો પાડ્યો હતો, જ્યાં અરજદારો કથિત રીતે છ મહિલાઓને અશ્લીલ રીતે નૃત્ય કરતા અને રૂ. 10ની નકલી નોટો વરસાવતા જોવા મળ્યા હતા. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે દર્શકો વિદેશી બનાવટનો દારૂ પણ પીતા હતા.