`ધરતી પરનું સ્વર્ગ` કહેવાતા એવા જમ્મુ-કાશ્મીરનો નજારો જ કંઈક અલગ છે. અહીંની ઘાટી, ફૂલોની ઘાટી, તળાવ, ચોતરફ પહાડ, બરફ એમ પ્રકૃતિનો આહલાદક નજારો જોવા દેશ વિદેશથી લાખો લોકો દર વર્ષે અહીં પહોંચે છે, પરંતુ કાશ્મીરની સુંદર ઘાટીઓ તિ સુંદર છે અને હવે આ સુંદરતાને ચાર ચાંદ લગાડવા અહીં ફ્લોટિંગ થિયેટર એટલે કે તરતા તરતા પાણીની લહેરખીઓ સાથે ફિલ્મનો આનંદ માણી શકાશે.

કાશ્મીરની ઠંડી સાંજે દલ સરોવરના તરતા મોજા અને તેના પર પીણાઓની ચુસ્કીઓ સાથે ફિલ્મનો રોમાંચ… સ્વર્ગ જેવું જ લાગે ને..!! આ નજારો જોઈ ખરેખર લાગે કે કાશ્મીર ફરી એકવાર છ દાયકા પહેલાના યુગમાં પાછું આવી ગયું છે. ખુલ્લા આકાશની નીચે તળાવમાં એશિયાના પ્રથમ આ અનોખા ફ્લોટિંગ થિયેટરે ‘કાશ્મીર કી કલી’ના રોમાંસને ફરી જીવંત કર્યો દીધો છે. જણાવી દઈએ કે ફિલ્મ ફેસ્ટિવલના ભાગ રૂપે એક અઠવાડિયા માટે આ ઓપન એર ફ્લોટિંગ થિયેટર શરૂ કરવામાં આવ્યું હતું.

આ ફ્લોટિંગ થિયેટર એશિયાનું પ્રથમ ફ્લોટિંગ ઓપન સિનેમા છે, જે આઝાદીના અમૃત મહોત્સવના ભાગ રૂપે શરૂ કરવામાં આવ્યું છે. આ એક સપ્તાહનો વિશેષ ઉત્સવ છે જ્યાં રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને લેસર શો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. શિકારા રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યા હતા અને પરંપરાગત વેશભૂષામાં કલાકારોના પર્ફોર્મન્સે તેને ઘેરી લીધું હતું.

દલ તળાવના મધ્યમાં સિનેમા શરૂ થાય તે પહેલાં શિકારા કાર્નિવલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લોટિંગ સિનેમાની ખાસિયત એ છે કે લોકો દલ લેકની મજા લેતા ફિલ્મ જોઈ શકે છે. એક મોટી હાઉસબોટને એક વિશાળ સિનેમા સ્ક્રીનમાં ફેરવવામાં આવે છે, જેમાં સેંકડો લોકો શિકારામાં બેસીને ફિલ્મની મજા માણી શકે છે. કલ્પના કરો કે પાણી પર તરતી મૂવી જોવી એ કેટલું રોમાંચિત હશે. આ અદભૂત નજારાનો વીડિયો કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટર પર શેર કર્યો છે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં પર્યટન ક્ષેત્રને નવું સોપાન મળ્યું છે. એશિયાનું સૌપ્રથમ ઓપન એર થિયેટર કે જે કાશ્મીરની ખીણોના આકર્ષણમાં વધુ વધારો કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.