• ગુજરાત હાઉસીંગ બોર્ડના
  • 47 વર્ષ જૂની આવાસ યોજનાના ભયજનક 227 ક્વાર્ટરને ખાલી કરવાની નોટિસ ફટકારાતા અસરગ્રસ્તો કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યા

અગ્નિકાંડની ઘટના બાદ ભવિષ્યમાં કોઇ જીવલેણ દુર્ઘટના ન બને તે માટે મહાપાલિકાનું તંત્ર સંતર્ક બન્યું છે. ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા વર્ષો પહેલા બનાવવામાં આવેલી આવાસ યોજનાના ક્વાર્ટર હાલ જર્જરિત થઇ ગયા છે. ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કોર્પોરેશન દ્વારા જર્જરિત અને ભયજનક ક્વાર્ટરને નોટિસ આપવામાં આવી રહી છે. કોઠારિયા રોડ પર આનંદનગર અને અજંતા પાર્કમાં 227 ક્વાર્ટરોને નોટિસ આપવામાં આવ્યા બાદ આજે સવારથી 100 જેટલા અતિ ભયજનક ક્વાર્ટરના નળ જોડાણ અને વિજ જોડાણ કાપવાની ઝુંબેશ શરૂ કરવામાં આવતા અસરગ્રસ્તો કોર્પોરેશન કચેરીએ દોડી આવ્યા હતા. ભાજપના કોર્પોરેટર વિનુભાઇ ઘવા અને કિર્તીબા રાણા ઉપરાંત કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાની આગેવાનીમાં પદાધિકારીઓને રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે કોર્પોરેશનના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના વોર્ડ નં.17માં કોઠારિયા રોડ પર ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા આનંદનગર અને અજંતા પાર્કમાં 1977માં આવાસ યોજના બનાવવામાં આવી છે. જે અંતર્ગત આનંદનગરમાં ઇ-ટુ બ્લોક, બગીચા પાસેનો બ્લોક નં.3 અને બ્લોક નં.5 જ્યારે પારડી રોડ પરના બ્લોક નં.77 ઉપરાંત અજંતાપાર્કના બ્લોક નં.31 અને 33ના કુલ 227 આવાસ જર્જરિત હોવાના કારણે આ આવાસ ખાલી કરવા માટે ક્વાર્ટરધારકોને નોટિસ આપવામાં આવી હતી. બાંધકામનો ઉપયોગ તાત્કાલીક અસરથી બંધ કરવા માટે આજે જીપીએમસી એક્ટ-1949ની કલમ-268 મુજબ નોટિસ આપવામાં આવી હતી. સાથોસાથ 100 જેટલા મકાનોના નળ જોડાણ અને વિજ જોડાણ કપાત કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવતા રહેવાસીઓ કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ધસી આવ્યા હતા. તેઓએ એવો આક્ષેપ કર્યો હતો કે ગત 10મી તારીખે અમને નોટિસ અપાયા બાદ અમે 11મી તારીખથી રિનોવેશનનું કામ શરૂ કરી દીધું છે અને તંત્રને આ અંગે જાણ પણ કરી દીધી છે. છતાં આજે નળ અને વિજ જોડાણ કાપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શાસક પક્ષના પૂર્વ નેતા વિનુભાઇ ઘવા ઉપરાંત વોર્ડના કોર્પોરેટર કિર્તીબા રાણાને સાથે રાખી રજૂઆત કરવામાં આવી હતી. જો કે, આજે મુખ્ય ત્રણેય પદાધિકારીઓ ઉપરાંત મ્યુનિ.કમિશનર ગેરહાજર હોવાના કારણે તેઓની રજૂઆત સાંભળવા વાળું કોઇ હાજર હતું નહિં. આજે જર્જરિત આવાસ પર નોટિસ લગાવી દેવામાં આવી છે. આગામી દિવસોમાં ક્વાર્ટર ખાલી કરવા માટેની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

ભાજપના કોર્પોરેટરો અને સંગઠનના હોદ્ેદારો વચ્ચેની બબાલમાં પ્રજા સેન્ડવીચ

વોર્ડ નં.17માં ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરો અને વોર્ડના સંગઠનના હોદ્ેદારો વચ્ચે છેલ્લા ઘણા સમયથી બબાલ ચાલી રહી છે. જેના કારણે પ્રજા સેન્ડવીચ બની ગઇ છે. લોકસભાની ચૂંટણીના પરિણામોની સમિક્ષા કરવા માટે ગઇકાલે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી દ્વારા ચારેય વિધાનસભા બેઠકમાં સમિક્ષા કરવામાં આવી હતી. જેમાં વોર્ડ નં.17માં ભાજપના પ્રમુખના બૂથમાંથી ભાજપને ઓછા મત મળ્યા હોવાનું માલૂમ પડ્યું હતું. બેઠકમાં આ અંગે સામાન્ય ઠપકો મળતા વોર્ડ પ્રમુખ આગ બબૂલા થઇ ગયા હતા. તેઓની સૂચના બાદ આજે ગુજરાત હાઉસીંગ બોર્ડના ક્વાર્ટરમાં તાત્કાલીક ધોરણે નળ જોડાણ અને લાઇટ જોડાણ કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ કાર્યવાહી સામે વોર્ડના કોર્પોરેટર કિર્તીબા રાણા અને વિનુભાઇ ઘવા 100થી વધુ લોકોનું ટોળું લઇ કોર્પોરેશન કચેરી ધસી આવ્યા હતા. કામગીરી અટકાવવા માટે ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ તેઓ નબળા પૂરવાર થયા હતા. શાસક પક્ષના પૂર્વ નેતાએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરને પણ ફોન કરી કામગીરી રોકાવા ભલામણ કરવાનું કહ્યું હતું. પરંતુ તેઓએ પણ હાથ ઉંચા કરી દીધા હતા. અંતે સમગ્ર મામલો સાંસદ રામભાઇ મોકરિયા અને પરષોત્તમભાઇ રૂપાલા સુધી પહોંચ્યો હતો. સાંસદની મધ્યસ્થી બાદ મામલો થાળે પડ્યો હતો. વોર્ડ નં.17માં સંગઠન અને ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરો વચ્ચેની બબાલનો ભોગ પ્રજા બની રહી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.