કથિત ફિશરીઝ કૌભાંડમાં રાજ્યકક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રી પુરષોત્તમ સોલંકીની મુશ્કેલીમાં વધારો થયો છે. ગાંધીનગરની સ્પેશિયલ એસીબી કોર્ટે મંત્રી પુરષોત્તમ સોલંકી સામે ધરપકડ વોરન્ટ ઈશ્યૂ કર્યું છે. આ પહેલા પુરૂષોત્તમ સોલંકી કોર્ટમાં હાજર ન રહેતા બિન જામીનપાત્ર વોરન્ટ ઈશ્યૂ કરાયું હતું. આમ છતાં સોંલકી ગેરહાજર રહેતા બિનજામીન પાત્ર વોરન્ટ માટે અરજી કરાઈ હતી. જેને કોર્ટે માન્ય રાખતા ધરપકડ વોરન્ટ ઈશ્યૂ કરવામાં આવ્યું હતું.
એસીબીએ તેમની તપાસમાં સોલંકીને મુખ્ય સૂત્રધાર દર્શાવ્યા છે. માછીમારોને અપાતો પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ 2008માં પૂરો થયો. 2૦૦9માં હરાજી કરી આ કોન્ટ્રક્ટ પુન: આપવાના હતા, પરંતુ પરૂષોત્તમ સોલંકીએ અપસેટ પ્રાઈઝથી પહેલા 12 લોકોને અને પછી 38 લોકોને કોન્ટ્રક્ટ આપી દીધા. હરાજી વિના કોન્ટ્રક્ટ આપવા કેબિનેટની મંજૂરી લેવાની રહે છે. આ મંજૂરી સોલંકીએ મેળવી ન હતી.