ઉત્તર કોરીયાએ પરમાણુ હથિયારો અને બેલેસ્ટીક મિસાઈલની ચાહમાં સમગ્ર વિશ્ર્વમાં ડરનું વાતાવરણ બનાવ્યું: ટ્રમ્પ
સંયુકત રાષ્ટ્ર સંઘની મહાસભામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નોર્થ કોરીયાને તબાહ કરી દેવાની ચિમકી આપી છે. ટ્રમ્પે ચેતવણી આપતા કહ્યું છે કે, જો અમેરિકા પર કોઈપણ પ્રકારનું સંકટ આવશે તો તેની સામે નોર્થ કોરીયાને સંપૂર્ણ રીતે નષ્ટ કરવા સીવાય બીજો કોઈ રસ્તો નથી. ટ્રમ્પે ઈસ્લામીક આતંકવાદને પણ પોતાના સંબોધનમાં આડેહાથ લીધો હતો.
ટ્રમ્પે પરમાણુ અપ્રસારના નોર્થ કોરીયા પર દબાણ બનાવવાની પ્રક્રિયામાં સાથ આપવા માટે ચીન અને રશિયાનો આભાર માન્યો હતો. રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકાની વિદેશ નીતિને પૂરી દુનિયા સામે મુકવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, રોકેટમેન પોતાના લોકો અને ભ્રષ્ટ શાસન માટે આત્મઘાતી મિશન પર છે. ઉત્તર કોરીયા પરમાણુ હથિયારો અને બલીસ્ટીક મિસાઈલની ચાહમાં સમગ્ર વિશ્ર્વમાં ડરનું વાતાવરણ બનાવી રહ્યું છે.
ઉત્તર કોરીયા સાથે સાથ ઈસ્લામીક આતંકવાદ પર પણ ટ્રમ્પે પ્રહારો કર્યા હતા. તેમણે આઈએસને લુઝર ગણાવતા કહ્યું હતું કે, સમય આવી ગયો છે કે, આપણે એવા દેશોને ખુલ્લા પાડીએ કે જેઓ અલ કાયદા, હિઝબુલ્લા જેવા સંગઠનોનું સમર્થન કરે છે. ટ્રમ્પે ઈસ્લામીક આતંકવાદને રોકવાનો નિર્ધાર પણ વ્યકત કર્યો હતો.