ઓકટોબર માસના ૧૮ શ્રેષ્ઠ સફાઈ કામદારોના નામ જાહેર કરતા મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતા અભિયાન શરુ કર્યું છે જે અંતર્ગત રાજકોટને દેશનું નંબર વન સ્વચ્છ શહેર બનાવવા માટે મહાપાલિકાએ બીડુ ઝડપ્યું છે. શહેરમાં સફાઈ કામગીરીમાં સુધારો આવે અને સફાઈ કામદારો પ્રોત્સાહિત થાય તેવા શુભ આશ્રય સાથે મહાપાલિકા દ્વારા દર મહિને વોર્ડ વાઈઝ એક બેસ્ટ સફાઈ કામદારના નામની જાહેરાત કરવામાં આવશે. આ સફાઈ કામદારના ફોટા અલગ-અલગ એલઈડી સ્ક્રીન પર પ્રસિઘ્ધ કરવામાં આવશે તેમ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ઓકટોબર માસમાં વોર્ડ વાઈઝ એક એટલે કે કુલ ૧૮ શ્રેષ્ઠ સફાઈ કામદારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. સફાઈ કામદારોની કામગીરીને બિરદાવવા અને તેઓને પ્રોત્સાહિત કરવા માટે હવે દર મહિને વોર્ડ વાઈઝ એક સફાઈ કામદારને બેસ્ટ કામદાર જાહેર કરવામાં આવશે અને આવા શ્રેષ્ઠ બેસ્ટ સફાઈ કામદારોના ફોટા મહાપાલિકા દ્વારા અલગ-અલગ સર્કલો ખાતે મુકવામાં આવેલી એલઈડી સ્ક્રીન પર પ્રકાશિત કરવામાં આવશે જેનાથી અન્ય સફાઈ કામદારોને પણ પ્રેરણા મળશે અને તેઓ પણ સારી કામગીરી માટે પ્રેરાશે. એકંદરે આ અભિયાનથી શહેરમાં સફાઈ કામગીરી વધુ સુદ્રઢ બનશે અને રાજકોટ દેશનું નંબર વન શહેર બની રહે તેવી દિશાનું આ પગલું ગણાશે.