મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીના આદેશ બાદ પાણીચોરો પર તુટી પડતા અધિકારીઓ: ચાર નળજોડાણ કપાયા
શહેરમાં પ્રવર્તમાન પાણીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પાણીચોરી અટકાવવા માટે મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની દ્વારા પાણીચોરી પકડવા માટે વોર્ડ વાઈઝ ટીમની રચના કરવામાં આવી છે. જેમાં ૧૨૫ અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. આજે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન વોર્ડ નં.૧૦માં બે અડધા ઈંચના કનેકશન અને એક ગેરકાયદે નળજોડાણ મળી આવતા તે તાત્કાલિક અસરથી કાપી નાખવામાં આવ્યું હતું.
તાજેતરમાં રાજકોટની મુલાકાતે આવેલા પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ એવી ટકોર કરી હતી કે રાજય સરકારે રાજકોટને જોઈએ તેટલું પાણી આપ્યું છે હવે પાણીચોરી અટકાવવા માટે મહાપાલિકાએ ઝુંબેશ ચલાવવી જોઈએ. જેને પગલે મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની દ્વારા ગઈકાલે પાણીચોરોને ઝેર કરવા માટે શહેરના તમામ ૧૮ વોર્ડ માટે ટીમની રચના કરવામાં આવી છે અને ૧૨૫ અધિકારીઓને આ માટે જવાબદારી સોંપવામાં આવી છે. પાણી ચોરી અટકાવવા માટે શું કાર્યવાહી કરાઈ તેનું રોજેરોજનું રીપોર્ટીંગ કરવાનો પણ આદેશ આપ્યો છે. મ્યુનિ.કમિશનરના આદેશ બાદ આજે હાથ ધરવામાં આવેલી ચેકિંગ ઝુંબેશમાં તોરલ પાર્ક મેઈન રોડ પર બાબુભાઈ સોની અને કલ્પેશભાઈ કાલરીયા નામના બે આસામીઓના અડધા ઈંચના બે કનેકશનો કાપી નાખવામાં આવ્યા હતા. જયારે પરિસાલા તથા યુનિવર્સિટી રોડ પર રઘુભાઈ જોગરાણા નામના એક-એક ઈચના નળજોડાણ કપાત કરી દેવામાં આવ્યા હતા. પાણી ચોરી કરનાર લોકો સામે આકરી કાર્યવાહી કરવાની પણ સુચના આપી દેવામાં આવી છે.
જેમાં ડાયરેક પમ્પીંગ કરનાર પાસેથી ‚ા.૨ હજારનો દંડ વસુલ કરવો. જો બીજીવાર ડાયરેક પમ્પીંગ કરતા પકડાઈ તો નળજોડાણ કપાત કરવું. ભુતીયુ નળજોડાણ મેળવનાર આસામી પાસેથી નિયત દંડ ઉપરાંત ‚ા.૩૦૦૦નો વહિવટી ચાર્જ વસુલ કરવો, બીજી વખત અનઅધિકૃત નળ કનેકશન પકડાઈ તેવા કિસ્સામાં પાંચ હજારનો દંડ વસુલ કરી આસામી સામે પોલીસ ફરિયાદ નોંધાવવી. કોલ સેન્ટરમાં પાણી ચોરી અને ડાયરેક પમ્પીંગને લગતી ફરિયાદનો તત્કાલ નિકાલ કરવો. જો કોઈ વ્યકિત પાણીનો બગાડ કરતા પકડાઈ તો તેની પાસેથી ‚ા.૨૫૦નો દંડ વસુલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,