રાજકોટમાં રમત-ગમતનો વ્યાપ વધે અને યુવાનો પણ આકર્ષીત થાય તે માટે રમત-ગમતના સાધનો ખરીદવા વોર્ડ વાઈઝ રૂા.5 લાખની ગ્રાન્ટ આપવામાં આવશે. આ માટે બજેટમાં રૂા.90 લાખની જોગવાઈ કરવામાં આવી છે. શહેરના 47 પૈકી 3 વોંકળાઓ પાકા છે. બાકીના 44 વોકળાને પાકા કરવા માટે પણ 3 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેને જણાવ્યું હતું કે, શહેરમાં યુવાનોનો રમત-ગમત પ્રત્યે લગાવ અને શોખ જળવાઈ રહે. સાથે સાથે તંદુરસ્તી વધે ખેલદીલીની ભાવના વધે તેવા હેતુથી હવે રમત-ગમતના સાધનો ખરીદવા માટે આગામી વર્ષથી વોર્ડવાઈઝ રૂા.5 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. આ માટે 18 વોર્ડ માટે રૂા.90 લાખની જોગવાઈ કરવામાં આવી છે. શહેરમાં નાના-મોટા કુલ 47 વોકળા આવેલા છે જે પૈકી 3 મોટા વોંકળા પાકા છે. વોંકળાના તળીયા માટી અને રેતીના બનેલા હોવાથી સફાઈ કામગીરીમાં ખુબ મુશ્કેલી ઉભી થાય છે. વરસાદી પાણીના રહેણના લીધે બન્ને બાજુ માટી અને રેતી ભેગી થઈ જતી હોવાથી ચોમાસામાં વોકળા ચોકઅપ થઈ જાય છે અને આસપાસના મકાનને પણ નુકશાન પહોંચે છે. શહેરના તમામ વોંકળાઓને પાકા કરવામાં આવશે અને આ માટે બજેટમાં 3 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.