વાયરસની સાથે હવે ફૂગજન્ય બીમારીના ભરડામાં દર્દીઓ કોરોનાથી મુક્ત થવાની લ્હાયમાં આડે-ધડ ઉપચારથી મ્યુકરમાયકોસીસ વકર્યો

ડાયાબીટીસ ધરાવતા કોવિડના દર્દીઓમાં હવે મ્યુકરમાયકોસીસના લક્ષણોએ જોર પકડતા તંત્રમાં દોડધામ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 250 બેડની સુવિધા સાથે મ્યુકરમાયકોસીસ વોર્ડ કર્યો શરૂ: 200 જેટલા દર્દીઓ ઓબ્ઝર્વેશન હેઠળ

કોરોના વાયરસની સાથે હવે ફૂગજન્ય રોગનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ સદંતર કેસમાં મોટો વધારો થતાં જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસથી મુક્ત થવાની લ્હાયમાં કરેલા આડેધડ ઉપચારના કારણે હવે મ્યુકરમાયકોસીસ બીમારી વકરતી દેખાઈ રહી છે. ડાયાબીટીસ ધરાવતા દર્દીઓ હવે નવા વાયરસમાં સપડાય રહ્યા છે. જેના કારણે હવે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા બીમારીની સારવાર માટે તૈયારીઓ શરૂ કરી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ટ્રોમાં સેન્ટરમાં 250 બેડ સાથે મ્યુકરમાયકોસીસ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં 200 જેટલા દર્દીઓ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.

રાજકોટ અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં કોરોના બાદ હવે મ્યુકરમાયકોસીસ વાયરસના લક્ષણો વધી રહ્યા છે. કોવિડ બાદ હવે ફૂગજન્ય રોગમાં પણ દર્દીઓ ભરડામાં આવતા ચિંતાનો વ્યાપ વધી રહ્યો છે. તો બીજી તરફ હવે કોરોનાની સારવાર માટે કરવામાં આવતા સ્ટીરોઇડ અને રેમડેસિવીર ઇન્જેક્શનના વધુ પડતા ઉપાયોના કારણે મ્યુકરમાયકોસીસનો વ્યાપ બહોળા પ્રમાણમાં વધી રહ્યો છે. આડેધડ ઉપચારના કારણે દર્દીઓ એક મુસીબતમાંથી તો નીકળી રહ્યા છે પણ વધુ ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છે. જેમાં પણ ડાયાબીટીસ ધરાવતા દર્દીઓમાં મ્યુકરમાયકોસીસના લક્ષણોનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હવે મ્યુકરમાયકોસીસ વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે. બી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીના જણાવ્યા અનુસાર રાજકોટમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ આવી રહ્યા છે. જેનાથી દર્દીઓની સંખ્યા વધી જતા ટ્રોમા સેન્ટરનું બિલ્ડિંગ ખાલી કરી તેમાં દાખલ કોરોનાના દર્દીઓને શિફ્ટ કરી ત્યાં મ્યુકરના દર્દીઓને દાખલ કરાઈ રહ્યા છે. મ્યુકરમાં સર્જરી બાદ ઈન્જેક્શન પણ મહત્ત્વના હોય છે તેથી રૂ. 1 કરોડથી વધુની કિંમતના ઈન્જેક્શનનો જથ્થો પણ આરોગ્ય વિભાગ દ્વારા પહોંચાડવામાં આવ્યો છે અને પૂરી તૈયારી કરાઈ હતી. મ્યુકરમાયકોસીસ વોર્ડમાં ઇએનટી સર્જન, સિનિયર રેસિડેન્ટ ડોકટર સહિતનો સ્ટાફ સારવાર કરી રહ્યો છે.

દેશના તમામ સરકારી હોસ્પિટલમાં મ્યુકરમાયકોસીસ વોર્ડ ઉભા કરાશે: પીએમ મોદી

દેશભરમાં હવે કોરોના બાદ મ્યુકરમાયકોસીસ બીમારીની સ્થિતિ વકરતી દેખાઈ રહી છે. જેના કારણે હવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. પીએમ મોદીએ હર એક સરકારી હોસ્પિટલમાં મ્યુકરમાયકોસીસ વોર્ડ કાર્યરત કરવા માટે નિર્ણય કર્યો છે. જેના કારણે હવે તંત્ર કોરોના બાદ મ્યુકરમાયકોસીસ બીમારીને નાથવા માટે દોડી રહ્યું છે.

મ્યુકરમાયકોસીસને નાથવા 5000 ઇન્જેક્શનનો જથ્થો ખરીદતી રાજ્ય સરકાર

ગુજરાતભરમાં કોરોના બાદ ફૂગજન્ય રોગોમાં દર્દીઓ સપડાઈ રહ્યા છે. મોઢા અને આંખમાં થતા ઇન્ફેક્શનના કારણે મ્યુકરમાયકોસીસમાં વધતા જતા દર્દીઓના કારણે હવે સ્થિતિ ગંભીરરૂપ ધારણ કરી રહી છે. ત્યારે શનિવારના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્ય સરકારે રૂ.3.12 કરોડના ખર્ચે મ્યુકરમાયકોસીસ બીમારીમાં ઉપયોગી એન્ફોટીસીરિનનો 5000 ઇન્જેક્શનનો જથ્થો મંગાવવામાં આવ્યો છે. રાજ્યના મહાનગરોમાં અને સરકારી હોસ્પિટલમાં મ્યુકરમાયકોસીસના વોર્ડ શરૂ કરવા માટે તંત્રને દોડતું કર્યું છે. આ સાથે બેઠકમાં મ્યુકરમાયકોસીસના અનેક મુદ્દાઓ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો પણ પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.