કોંગ્રેસના ઉમેદવાર ડો.અમીત ભટ્ટ, જલ્પાબેન ગોહેલ અને રેખાબેન ગેડીયા ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
વોર્ડ નં.૧માં છેલ્લી ત્રણ ટર્મથી ભાજપના ઉમેદવારો વિજેતા બની રહ્યાં છે અને વોર્ડનો વિકાસ થયો હોવાની ગુલબાંગો હાકી રહ્યાં છે. પરંતુ આજની તારીખે વોર્ડના અનેક વિસ્તારો લાઈટ, પાણી, રોડ, રસ્તા અને ગટરની સુવિધાથી સદંતર વંચિત છે તેવો આક્ષેપ આજે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા કોંગ્રેસના ઉમેદવાર ડો.અમીતભાઈ ભટ્ટ, જલ્પાબેન ગોહેલ અને રેખાબેન ગેડીયાએ જણાવ્યું હતું.
તેઓએ ઉમેર્યું હતું કે, પ્રાથમિક સુવિધા આપવાની માત્ર ભાજપના શાસકો વાતો જ કરે છે પરંતુ છેવાડાના વિસ્તારને કોઈ જ પ્રકારની સુવિધા મળતી નથી. ભાજપે બે આયાતી ઉમેદવારને ટિકિટ આપી હોવાના કારણે પક્ષમાં ભારો ભાર નારાજની જોવા મળી રહી છે. વોર્ડ નં.૧માં કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઈ આહિરનું ફોર્મ ટેકનીકલ કારણોસર રદ થયું છે અને વોર્ડમાંથી માત્ર ત્રણ જ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. આ ત્રણેયને તોતીંગ લીડથી વિજયી બનાવવા ભરતભાઈ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ઉમેદવારોએ એવું પણ જણાવ્યું હતું કે, જો અમે વિજેતા બનીશું તો અમારો પ્રથમ પ્રાધાન્ય વોર્ડના જે વિસ્તારોમાં હજુ સુધી પ્રાથમિક સુવિધાઓ નથી પહોંચી ત્યાં સુવિધા પહોંચાડવાનું રહેશે અમે છેલ્લા ઘણા સમયથી સતત વોર્ડમાં કાર્યરત હોવાનો ફાયદો અમને મળશે. ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત દરમિયાન ભરતભાઈ આહિર, રાજુભાઈ શેઠ અને શૈલેષભાઈ ગોહેલ ઉપસ્થિત રહ્યાં હતા.