જવાબદારીથી હાથ ઉંચા કરનાર કોર્પોરેટરો રાજીનામા આપે : માનવ સેવા સમિતિના પ્રમુખ ઇમરાન મેણુંની બુલંદ માંગ : પ્રજામાં બોકાસો : ચૂંટણી પછી નેતાઓ ગાયબ
શહેરનાં વોર્ડ નં.૩માં ચૂંટાયા પછી સંબંધીત ચારેય કોર્પોરેટરો જવાબદારીથી ભાગી રહ્યાની પ્રજામાં બુમરાણ ઉઠી છે. ચૂંટણી પહેલા મત માટે પ્રજાનાં ઘૂંટણીએ પડી જતાં કોર્પોરેટરો પ્રજાની ફરિયાદો સાંભળવામાં આંખ આડા કાન કરી રહ્યા છે. વોર્ડ નં.૩ની પ્રજા હાલ રામભરોસે થઇ ગયાના આક્ષેપો થઇ રહ્યા છે. આવા સમયે એટલે કે આ વોર્ડનાં ચારેય કોર્પોરેટરની ભારોભાર ઉદાશીનતાં વચ્ચે અનન્ય સેવાભાવી, માનવ સેવા સમિતિના પ્રમુખ ઇમરાનભાઇ મેણુ સહિતની ટીમ પ્રજાકામો માટે સતત પ્રયત્નશીલ હોવાની વિગતો મળી રહી છે. થોકબંધ પ્રજા પ્રશ્નોથી આક્રોશભેર ઇમરાનભાઇ મેણુંએ ચારેય કોર્પોરેટરોનાં રાજીનામા માંગી તીખા તેવર બતાવ્યા છે.
સેવાભાવી ઇમરાનભાઇ મેણુંએ જણાવ્યું હતું કે ચૂંટણી પહેલા વોર્ડ નં.૩નાં કોંગ્રેસના કોર્પોરેટરો દિલીપભાઇ આસવાણી, અતુલભાઇ રાજાણી, ગાયત્રીબા વાઘેલા અને ગીતાબેન પુરબીયા અને તેઓના સમર્થક રાજકીય આગેવાનોએ રૂખડીયાથી ભગવતીપરાને જોડતા પુલનું સમારકામ કરવાનું વચન આપ્યું હતું. પરંતુ ચૂંટણી પૂરી થયા પછી અને જીતી ગયા બાદ મતલબ નીકલ ગયા તો પહેચાન તે નહી જેવી કહેવત સાબિત કરનાર આ ચારેય સદસ્યો જવાબદારીથી હાથ ખંખેરી રહ્યા હોવાનો પ્રજામાં આક્ષેપ થયો છે.
વોર્ડ નં.૩માં વિકાસનાં કામો પરત્વે સદાય બે ઘ્યાનપણુ દાખવનાર કોર્પોરેટરોની ખોરી ટોપરા જેવી નીતિથી અહીં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજય છવાઇ ગયું છે અને ભયંકર રોગચાળાની દહેશત સેવાઇ રહી છે. છેલ્લા પાંચ વર્ષ થયા માનવ સેવા સમિતિ નામની સંસ્થા દ્વારા અંધ-અપંગ, નીરાધાર, માંદી ગાયોની સેવા કરનાર ઇમરાનભાઇ મેણુંએ એવુ પણ રોષ સાથે જણાવેલ કે રૂખડીયાપરા-ભગવતીપરાને જોડતાં આ પુલનું કામ ન થતાં ચોમાસા દરમિયાન આ રસ્તો બંધ થઇ જતો હોછ, મજુર વર્ગ, રેકડી ધારકો, શાકભાજીનાં ગરીબ ધંધાર્થીઓ ફરી-ફરીને આવવા-જવાની પારાવાર હાડમારી ભોગવી રહ્યા છે. તેવી જ રીતે જંકશનમાંથી ઝૂલેલાલ મંદિર તરફ જવાનો પુલ પણ મોટો કરાય તો જ પાણીનો નિકાલ થાય તેમ હોય, આ પ્રશ્ર્ને પણ સંબંધીત કોર્પોરેટરો ઓરમાયુ વર્તન દાખવી રહ્યા છે. આવા અણઉકેલ પ્રશ્નો વચ્ચે વોર્ડ નં.૩માં ઠેર-ઠેર ગંદકીના ઢગ જામ્યા છે. આ વોર્ડમાં ભૂગર્ભ ગટરના કામો થતા નથી તો ચૂંટણી પછી પ્રજાના પ્રશ્ર્નોને સાંભળવાની જાણે સત્તાધીશોને ફુરસદ ના હોય તેવો તાલ સર્જાયો છે.
વોર્ડ નં.૩માં માનવ સેવા સમિતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃતિ હાથ ધરતાં ઇમરાનભાઇ મેણુ, કમલેશભાઇ બારોટ, મેરામભાઇ આહિર, ગીતાબેન સોની, અમનભાઇ રફાઇ તથા સિકંદરભાઇ મેણું વિગેરેએ એવુ પણ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં વૃક્ષોનું વાવેતર કરવામાં પણ કોર્પોરેટરો જવાબદારી ભૂલ્યા છે.
સેવાના કાર્યોમાં સતત માથે ઉભા રહી પ્રજા વિકાસનાં કામો માટે જહેમત ઉઠાવતાં ઇમરાનભાઇ મેણુંએ એવો પણ આક્રોશ વ્યકત કર્યો હતો કે વિકાસનાં કામો બાબતે સતત બેદરકાર ઉપરોકત ચારેય કોર્પોરેટરોએ તાકીદે રાજીનામા ધરી જવાબદારી મુકત થવુ જોઇએ તેવુ પ્રજા વતી જણાવ્યું હતું.