પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલાની મહેનત રંગ લાવી: આવાસ યોજનાના લાભાર્થીઓને મળશે પાકા રોડ-રસ્તાની સુવિધા: સ્ટેન્ડિંગમાં દરખાસ્ત મંજુર.
શહેરના વોર્ડ નં.૩માં રેલનગર વિસ્તારમાં મહાપાલિકા દ્વારા ૧૧ આવાસ યોજનાઓ બનાવવામાં આવી છે. ૩ વર્ષથી વધુ સમયથી લાભાર્થીઓને આવાસનો કબજો સોંપી દેવામાં આવ્યો છે. અહીં પાકા રોડ-રસ્તાની સુવિધાના અભાવને પ્રશ્ર્ને પૂર્વ વિપક્ષી નેતા અને કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાએ મ્યુનિસિપલ કમિશનરથી લઈ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી.
જેને અંતે સફળતા સાંપડી છે. આજે મહાપાલિકામાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વોર્ડ નં.૩માં છત્રપતિ શિવાજી ટાઉનશીપ અને અન્ય આવાસ યોજનાને લાગુ ૧૫ જેટલા એપ્રોચ રસ્તાઓ પર ડામર કરવા માટે રૂ.૫.૯૫ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે.
આ અંગે પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે, શહેરના વોર્ડ નં.૩માં રેલનગર વિસ્તારમાં ૧૧ આવાસ યોજનામાં ૫૫૦૦૦ જેટલા આવાસો બનાવવામાં આવ્યા છે. અહીં પાકા રોડ-રસ્તાની સુવિધા ન હોવાના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ અંગે વોર્ડના જાગૃત કોર્પોરેટર તરીકે મેં મ્યુનિસિપલ કમિશનરથી લઈ રાજયના મુખ્યમંત્રી સુધી સતત રજુઆત કરી હતી જેને અંતે સફળતા સાંપડી છે.
પાકા રસ્તાના અભાવે ચોમાસાની સીઝનમાં આવાસ યોજનામાં વસવાટ કરતા લોકો માટે રસ્તા પર નિકળવું ઘણું જ મુશ્કેલ બની જતું હતું. આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વોર્ડ નં.૩માં છત્રપતિ શિવાજી ટાઉનશીપ તથા અન્ય અલગ-અલગ આવાસ યોજનાને લાગુ ૧૫ જેટલા મેટલીંગ ટીપી રોડ પર ડામર કરવા માટે રૂ.૫.૯૫ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે.
આગામી દિવસોમાં મહારાણા પ્રતાપ ટાઉનશીપ વિર સાવરકર ટાઉનશીપ, લોક માન્ય ટીલક ટાઉનશીપ, ચંદ્રશેખર આઝાદ ટાઉનશીપ, સુભાષચંદ્ર બોઝ ટાઉનશીપ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ટાઉનશીપ, શ્યામાજી કૃષ્ણવર્મા ટાઉનશીપ, છત્રપતિ શિવાજી ટાઉનશીપ, મહર્ષિ અરવિંદ ટાઉનશીપ અને અમૃત રેસીડેન્સી-૨ અને ૩ને જોડતા મુખ્ય રોડ ડામરથી મઢાઈ જશે.