કોંગ્રેસ સામે એકમાત્ર વોર્ડ જાળવી રાખવાનો સૌથી મોટો પડકાર, ભાજપ વર્ષોથી આ વોર્ડમાં ધોબી પછડાટ ખાતો હોય હવે પંજાને પીંખી નાખવા મહેનત કરવી પડશે
પેટા ચૂંટણીના પરિણામોથી સત્તાના સમીકરણો પર કોઈ અસર નહી પડે પરંતુ બંને પક્ષો પોતાની પ્રતિષ્ઠાને દાગ લગાડવા માંગતી નથી: નવ નિયુકત શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીની કસોટી
રાજકોટ મહાનગરપાલીકાના વોર્ડ નં.15ની બે બેઠકો માટેની પેટા ચૂંટણીની તારીખનું એલાન થઈ ગયું છે.પેટા ચૂંટણીના પરિણામથી સતાના સમિકરણો પર કોઈ જ પ્રકારની અસર થવાની નથી. છતા આ બે બેઠકની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાના જંગથી રતીભાર પણ ઓછી નહી રહે. શહેરના 18 પૈકી 17 વોર્ડમાં ભાજપનો કબ્જો છે.એક માત્ર વોર્ડ ન.15માંકોંગ્રેસના નગરસેવકો છે.ભાજપ પોતાનું સભ્ય સંખ્યા બળ વધારવા પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દેશે. જયારે બીજી તરફ કોંગ્રેસે વોર્ડની બે બેઠકો જાળવી રાખવા મરણીયું બનશે ભલે પેટા ચૂંટણી કહેવાય પરંતુ જંગ સામાન્ય ચૂંટણી કરતા પણ સવાયો રહેશે તેમા શંકાને કોઈ સ્થાન નથી.
વર્ષ 2021માં યોજાયેલી રાજકોટ મહાનગરપાલીકાની સામાન્ય ચૂંટણીમાં શહેરના 18 વોર્ડની 72 બેઠકો પૈકી એકમાત્ર વોર્ડ નં.15માં ચાર બેઠકો પર કોંગ્રેસના ચારેય ઉમેદવારોનો વિજય થયોહતો. દરમિયાન ગત વર્ષ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસના પ્રતિક પરથક્ષકોર્પોરેટર તરીકે ચૂંટાયેલા વશરામભાઈ સાગઠીયા અને કોમલ બેન ભારાઈએ કોંગ્રેસનો સાથ છોડી આમ આદમી પાર્ટીનું ઝાડુ પકડી લીધુહતુ જેની સામે પૂર્વ વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી સહિતના કોંગી નેતાઓએ હાઈકોર્ટ અને શહેરી વિકાસ વિભાગના દરવાજા ખખડાવ્યા હતા. જેના પગલે વશરામ સાગઠીયા અને કોમલબેન ભારાઈને આજથી આઠેક માસ પૂર્વ કોર્પોરેટર પદેથી ગેરલાયક ઠેરવવામાંઆવ્યાહતા.
વોર્ડ નં.15ની ખાલી પડેલી બે બેઠકો માટે આગામી 6મી ઓગષ્ટના રોજ મતદાન યોજાશે ભલે આ બે બેઠકોની પેટા ચૂંટણીના પરિણામ સતાના સમીકરણો પર કોઈ જ પ્રકારની અસર પાડવાના નહોય પરંતુ ભાજપ અને કોંગ્રેસ બંને માટે ભવિષ્યના રાજકારણ માટે આ ચૂંટણી ખૂબજ મહત્વની માનવામાં આવી રહી છે. રાજકોટમાં ભાજપનો ભલે એક તરફી દબદબો રહ્યો હોય પરંતુ છેલ્લા ઘણા સમયથી કમળનો વિજય રથ વોર્ડ નં.15માં આથી અટકી જાય છે. ગત ડિસેમ્બર માસમાં યોજાયેલી ચૂંટણી વિધાનસભાની ચૂંટણીમાં ચારેય બેઠકો પર ભાજપના ચારેય ઉમેદવારોનો રેકોર્ડબ્રેક લીડ સાથે વિજય થયોહતો. 17 વોર્ડમાંથી ભાજપને અકલ્પનીય લીડ મળી હતી. પરંતુ વોર્ડનં.15માં ભાજપ માયનસમાં રહ્યું હતુ. આ વાત સાબિત કરે છે કે વોર્ડ નં. 15 કોંગ્રેસનો અડિખમ ગઢ છે.
કોંગ્રેસ પાસે સમ ખાવા પૂરતો આ એક જ વોર્ડ છે. આવામાં જો પેટા ચૂંટણીમાં બે બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોનો પરાજય થાય તો પક્ષને કોઈ કાળે પાલવે તેમ નથી. હવે વશરામ સાગઠીયા અને કોમલબેન ભારાઈએે ઘર વાપસી કરી ફરી કોંગ્રેસના ખેસ ધારણ કરી લીધો છે. તે ચૂંટણી લડી શકે કે કેમ? તે અદાલતના હુકમ બાદ નકકી થાય તેમ છે.પરંતુ તેમની ઘર વાપસીથી કોંગ્રેસ વોર્ડના નિશ્ર્ચિત પણે મજબૂત બન્યું છે. વોર્ડની જે બે બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે તે પૈકી એક બેઠક અનુસુચિત જજાતીની મહિલા ઉમેદવાર માટે અનામત છે. પરાજય નિશ્ર્ચિત હોવા છતા ભાજપના કાર્યકરો કયારેય હાર સ્વિકારતા નથી. પૂરા જોમ સાથે ચૂંટણી લડે છે તે વાત સૌ કોઈ જાણે છે. શહેર ભાજપના નવ નિયુકત અધ્યક્ષ મૂકેશ દોશી સાથે મોટો પડકાર છે. શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ઉમેદવારની પસંદગીમાં થોડી ક્ષતી રહી ગઈ હતી. જેના કારણે રાજય સરકારના ત્રણ પૈકી સંજયભાઈ ભાયાણી નામના સભ્યને બદલવાની ફરજ પડી હતી તેના સાથે રાજેશ માંડલીયા નિયુકતી કરવામાં આવી છે.
વોર્ડ નં.15ની પેટા ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી શહેર ભાજપ પ્રમુખ મૂકેશ દોશી માટે સૌથી મોટો પડકાર બની રહેશે. પહેલેથી જ આ વોર્ડ ભાજપ માટે અધરો છે. હવે પેટા ચૂંટણીમાં વોર્ડની બે બેઠકો જીતી કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડવાનો એક માત્ર ઉદેશ સાથે ભાજપના નેતાઓ ચૂંટણીની વ્યુહરચના ઘડશે લાખ પ્રયાસો, કરોડો રૂપીયાના વિકાસ કામો કરવા છતા ભાજપ વોર્ડનં.15 જીતવામાં હંમેશા નિષ્ફળ રંહે છે.હવે સમય છે અને તક પણ છે.જો પેટા ચૂંટણીમાં વોર્ડ નં.15 બે બેઠકો જીતવામાં ભાજપ સફળ નહી રહેતો ભવિષ્યમાં ભાજપે પોતે જીતી શકે એવા વોર્ડની યાદીમાંથી વોર્ડ ન.15ને કાયમી ધોરણે બાકાત રાખવો પડશે.
શહેર ભાજપનું આખુ સંગઠન આવતા સપ્તાહથી 20 દિવસ વોર્ડનં.15માં ઉતરી જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. હવે મતદારો કોના પર રિઝે છે. તે સમય જ બતાવશે. પડકાર, પહાડ કરતા પણ મોટો છે. પરંતુ તેને પાર કરવા મુકેશ દોશીની ટીમ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીદેશે તે વાત પણ નિશ્ર્ચિત છે.