ઠંડી, લગ્નસરાની સિઝન અને એક તરફી માહોલના કારણે પેટાચૂંટણીમાં માત્ર ૩૧.૨૩ ટકા નિરસ મતદાન ૫ ટેબલ પર ૧૦ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે: ૧૧ વાગ્યા સુધીમાં પરિણામ આવી જશે

કોર્પોરેટર પદેથી નિતીનભાઈ રામાણી રાજીનામું આપતા ખાલી પડેલી વોર્ડ નં.૧૩ની એક બેઠક માટે ગઈકાલે પેટાચુંટણી માટેનું મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. કાતીલ ઠંડી, પુરબહારમાં ચાલી રહેલી લગ્નસરાની સિઝન અને કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પત્ર પાછુ ખેંચી લેતા ચુંટણીમાં એક તરફી માહોલના કારણે માત્ર ૩૧.૨૩ ટકા જેટલું નિરસ મતદાન થયું હતું. વોર્ડ નં.૧૩માં ભાજપનું કમળ ખીલી ઉઠશે કે મહાપાલિકામાં ઈતિહાસ રચી અપક્ષ ઉમેદવાર મેદાન મારશે તે વાત પરથી કાલે પડદો ઉંચકાઈ જશે. કાલે સવારે ૮:૦૦ વાગ્યાથી દક્ષિણ મામલતદાર કચેરી ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે જેનું પરીણામ ૧૧ વાગ્યા સુધીમાં આવી જાય તેવું લાગી રહ્યું છે

DSC 6067વોર્ડ નં.૧૩ની પેટાચુંટણી માટે ગઈકાલે સવારે ૮:૦૦ વાગ્યાથી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી મતદાન યોજાયું હતું જેમાં માત્ર ૩૧.૨૩ ટકા જેટલું સામાન્ય મતદાન થયું હતું. કોંગ્રેસના સતાવાર ઉમેદવાર નરશીભાઈ પટોરિયાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ફોર્મ પાછું ખેંચી લીધું હતું અને કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો કેશરીયો ખેસ ધારણ કરી લીધો હતો જેના કારણે વોર્ડ નં.૧૩માં ભાજપના ઉમેદવાર નીતિનભાઈ રામાણી અને અન્ય પાંચ અપક્ષ ઉમેદવારો વચ્ચે જંગ હતો.

મહાપાલિકાના ૪૫ વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધી એક પણ વાર અપક્ષ ઉમેદવાર કયારેય ચુંટણી જીત્યો ન હોય ભાજપ તરફી માહોલ હતો. બીજી તરફ કાતીલ ઠંડી અને પુરબહારમાં ખીલેલી લગ્નસરાની સિઝનના કારણે લોકોએ મતદાન માટે આળસ દાખવી હતી જેના કારણે ૫૩ હજારથી વધુ મતદારો પૈકી માત્ર ૧૮ હજાર જેટલા જ મતદારોએ મતદાન કર્યું હતું.

કાલે સવારે ૮:૦૦ વાગ્યાથી દક્ષિણ મામલતદાર કચેરી ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે. પાંચ ટેબલ પર કુલ ૧૦ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે. માત્ર ૧૮ હજાર જેટલા જ મતો ગણવાના હોય સવારે ૧૧ વાગ્યા સુધીમાં પેટાચુંટણીનું પરીણામ આવી જાય તેવું લાગી રહ્યું છે.

વોર્ડ નં.૧૩ની પેટાચુંટણીનું પરીણામ મહાપાલિકામાં સતાના સમીકરણો પર કોઈપણ પ્રકારની અસર કરે તેમ ન હોવાના કારણે આ ચુંટણીને રસપ્રદ માનવામાં આવતી નથી. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધું ત્યારથી પેટાચુંટણીમાં એક તરફી માહોલ થઈ ગયો છે અને ભાજપ નિતીન રામાણીની જીત લગભગ ફાઈનલ માનવામાં આવી રહી છે.

જોકે કાલે મતગણતરીમાં ખબર પડશે કે વોર્ડ નં.૧૩ની પેટાચુંટણીમાં ભાજપનું કમળ ખીલશે કે અપક્ષો મેદાન મારશે જો ભાજપ જીતશે તો મહાપાલિકામાં ભાજપની સભ્ય સંખ્યાબળ ૩૯ કોર્પોરેટરોથી વધુ ૪૦નું થઈ જશે અને અપક્ષ ઉમેદવાર જીતશે તો મહાપાલિકાના ઈતિહાસમાં પ્રથમવાર કોઈ અપક્ષ ઉમેદવાર વિજય બનવાનો ઈતિહાસ રચાશે.

ભાજપ જીતશે તો વિજય સરઘસ નહીં કાઢે: કમલેશ મિરાણીUntitled 1 5 1વોર્ડ નં.૧૩ની પેટાચુંટણીની મતગણતરી આવતીકાલે સવારે હાથ ધરવામાં આવનાર છે. જેમાં ભાજપના ઉમેદવાર નીતિનભાઈ રામાણી જીત માટે હોટ ફેવરિટ માનવામાં આવી રહ્યા છે. દરમિયાન આજે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ જણાવ્યું હતું કે, વોર્ડ નં.૧૩ની પેટાચુંટણીમાં જો ભાજપ જીતશે તો વિજય સરઘસ નહીં કાઢે. કારણકે વોર્ડના પૂર્વ કોર્પોરેટર અને શહેર ભાજપના અગ્રણી હરીભાઈ વાલાભાઈ ડાંગરની તબિયત હાલ નાજુક છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તેઓ જયારે સંપૂર્ણપણે તંદુરસ્ત થઈ જશે ત્યારે ભાજપ વોર્ડ નં.૧૩માં જીતની ઉજવણી કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે પોતાના પતિદેવની તબિયત નાજુક હોવા છતાં કોર્પોરેટર જયાબેન ડાંગર અને તેમના પુત્ર શૈલેષભાઈ ડાંગરે ગઈકાલે વોર્ડની પેટાચુંટણી માટે સતત સક્રિય રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.