તમામ સ્ટાફ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં રોકાય જતા વોર્ડ ઓફિસે ઉડે-ઉડે: લોકો વિફર્યા
શહેરના વોર્ડ નં.૧૩ની વોર્ડ ઓફિસ ખાતે પુરતા પ્રમાણમાં સ્ટાફ ન હોવાના કારણે અરજદારોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બે દિવસ પૂર્વે કોંગી કોર્પોરેટરે વોર્ડ કચેરીએ તાળાબંધી જેવો કાર્યક્રમ આપ્યો હતો. દરમિયાન આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના રાજકોટના કાર્યક્રમમાં મોટાભાગનો સ્ટાફ રોકાઈ જતા વોર્ડ કચેરીએ ઉડે-ઉડે જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. કલાકો સુધી સ્ટાફ ન દેખાતા રોષે ભરાયેલા અરજદારોએ વોર્ડ કચેરી ખાતે હંગામો મચાવતા વિજિલન્સ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ છેલ્લા કેટલાક દિવસથી વોર્ડ નં.૧૩ની વોર્ડ ઓફિસ અરજદારો માટે દુવિધાનું કેન્દ્ર બની ગઈ છે. સ્ટાફના અભાવે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં બે દિવસ પૂર્વે કોંગી કોર્પોરેટરોએ લોકપ્રશ્ર્ને તાળાબંધી જેવો આશ્ર્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો. દરમિયાન આજે મુખ્યમંત્રીના હસ્તે રેસકોર્સ-૨ ખાતે તળાવના ઉંડા ઉતારવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. મહાપાલિકાનો મોટાભાગનો સ્ટાફ સીએમના કાર્યક્રમમાં રોકાઈ જતા વોર્ડ કચેરી ખાતે ઉડે-ઉડે જેવો માહોલ જોવા મળ્યો હતો. કલાકો લાઈનમાં રહેવા છતાં સ્ટાફ ન દેખાતા કાળઝાળ ગરમીમાં લોકોનો પીતો છટકયો હતો અને વોર્ડ કચેરી ખાતે ભારે હંગામો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતા વિજિલન્સ પોલીસ તાબડતોબ વોર્ડ કચેરી ખાતે દોડી ગઈ હતી.
વોર્ડ નં.૧૭ના લોકોએ વોર્ડ ઓફિસે કચરો ઠાલવ્યો
શહેરના વોર્ડ નં.૧૭માં સફાઈ અને ટીપરવાનની અનિયમિતતા અંગે અનેકવાર ફરિયાદ કરવા છતાં સમસ્યા હલ ન થતા આજે રોષે ભરાયેલા લતાવાસીઓએ વોર્ડ કચેરીએ કચરાના ગંજ ઠાલવી દીધા હતા. વોર્ડમાં નિયમિત સફાઈ કામગીરી થતી નથી. આટલું જ નહીં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે મીની ટીપર નિયમિત આવતી નથી. આ અંગે રજુઆત કરવા છતાં પ્રશ્ર્નનો નિવેડો ન આવતા રોષે ભરાયેલા લોકોએ વોર્ડ કચેરી ખાતે કચરાના ઢગલા ઠાલવ્યા હતા અને પોતાનો રોષ પ્રગટ કર્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com