વોર્ડ ઓફિસ, સિવિક સેન્ટર અને કોર્પોરેશનની ચૂંટણી શાખામાં મતદારયાદી જોઈ શકાશે ઉમેદવારી રજુ કરવાના ૧૦ દિવસ અગાઉ સુધારા-વધારા કરી શકાશે
નિતીનભાઈ રામાણી કોર્પોરેટરપદેથી રાજીનામું આપતા ખાલી પડેલી વોર્ડ નં.૧૩ની એક બેઠક માટેની પેટાચુંટણીની તડામાર તૈયારીઓ મહાપાલિકા તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આજે કોર્પોરેશન દ્વારા વોર્ડ નં.૧૩ની મતદારયાદી પ્રસિઘ્ધ કરી દેવામાં આવી છે અને લોકો પાસેથી વાંધા સુચનો પણ મંગાવવામાં આવ્યા છે. વોર્ડ નં.૧૩ની વોર્ડ ઓફિસ, સેન્ટ્રલ ઝોન સિવિક સેન્ટર અને કોર્પોરેશનની ચુંટણી શાખામાં લોકો મતદાર યાદી જોઈ શકશે. ઉમેદવારી રજુ કરવાના ૧૦ દિવસ અગાઉ મતદાર યાદીમાં સુધારા-વધારા કરી શકાશે. આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ વોર્ડ નં.૧૩ની પેટાચુંટણી સંદર્ભે મુસદારૂપ મતદારયાદી પ્રસિઘ્ધ કરી દેવામાં આવી છે.
વોર્ડના નાગરિકો વોર્ડ નં.૧૩-એ ની કૃષ્ણનગર મેઈન રોડ, ગુરુપ્રસાદ ચોક ખાતે આવેલી વોર્ડ ઓફિસ, ઢેબર રોડ પર આવેલી કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીના સિવિક સેન્ટર ખાતે અને સેન્ટ્રલ ઝોનમાં ચુંટણીશાખા રૂમ નં.૧૧, ત્રીજા માળે આ મતદાર યાદી જોઈ શકશે. મતદારયાદી ૧/૧/૨૦૧૮ની લાયકાતની તારીખની સ્થિતિએ પુરવણી સહિત પ્રસિઘ્ધ કરવામાં આવી છે. જેમાં લાયકાત ધરાવતા જે કોઈ વ્યકિતનું નામ મતદારયાદીમાં ન હોય અને પોતાનું નામ મતદાર યાદીમાં દાખલ કરવા માંગતા હોય તે ઉમેદવારી રજુ કરવાના ૧૦ દિવસ અગાઉ મતદાર નોંધણી અધિકારીને લેખિતમાં સુચના આપી પોતાનું નામ ઉમેરાવી શકશે. આ માટે નમુના ‘ક’ ની અરજીના છાપેલા ફોર્મ અગર નમુનો મહાપાલિકાની ચુંટણી શાખામાંથી નિયત કિંમત આપી મેળવી શકાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વોર્ડ નં.૧૩માં ૮૪,૩૦૦ની વસ્તી છે જેમાં મતદારોની સંખ્યા ૫૩ હજાર જેવી છે. વર્ષ ૨૦૧૫માં પ્રથમ વખત નવા સીમાંકન પ્રમાણે યોજાયેલી ચુંટણીમાં વોર્ડ નં.૧૩ની ચાર બેઠકો પૈકી ત્રણ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારનો જયારે એક બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. તાજેતરમાં કોર્પોરેટરપદેથી નિતીન રામાણીએ રાજીનામું આપી દેતા વોર્ડની એક બેઠક ખાલી પડી છે. જેના માટે આગામી દિવસોમાં પેટાચુંટણી યોજાશે.