- શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ સુવિધા ખેંચી લાવ્યા
- કાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અલગ-અલગ 39 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય: પેડક રોડ પર વિવેકાનંદ સ્વિમીંગ પુલનું રિનોવેશન કરાશે જ્યારે માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં નવી સ્પોર્ટ્સ ફ્લડ લાઇટ ફીટ કરાશે
શહેરના વોર્ડ નં.11માં બે દિવસ પૂર્વે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે 191 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરાયા બાદ ફરી વોર્ડમાં વિવિધ સુવિધાઓ ખેંચી લાવવામાં શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ સફળ રહ્યા છે.
વોર્ડ નં.11માં કણકોટ રોડ પર મવડી સ્મશાનની પાસે કોર્પોરેશન દ્વારા 6.61 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાથી સજ્જ નવું આરોગ્ય કેન્દ્ર અને નવી વોર્ડ ઓફિસ બનાવવામાં આવશે. આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અલગ-અલગ 39 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.
વોર્ડ નં.11માં ટીપી સ્કિમ નં.27ના ફાઇનલ પ્લોટ નં.29 (એ)માં રૂ.3.91 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવશે. જેમાં 1229 ચોરસ મીટર વિસ્તારમાં બાંધકામ કરવામાં આવશે.
આરોગ્ય કેન્દ્રમાં ઇલેક્ટ્રીક રૂમ, લેબોરેટરી, નર્સિંગ રૂમ, વેક્સીનેશન સેન્ટર, ડોક્ટર રૂમ, મેડિકલ ઓફિસર માટે બે અલાયદી ચેમ્બર, ડે કેર રૂમ, સ્ટોર રૂમ, ફાર્મસી વિભાગ, કેસ વિન્ડો, મેડિકલ સ્ટોર સહિતની સુવિધાઓ રાખવામાં આવશે.
જ્યારે વોર્ડમાં આજ સ્થળ પર નવી વોર્ડ ઓફિસનું પણ નિર્માણ કરવામાં આવશે.
જેનો ખર્ચ રૂ.2.69 કરોડ જેવો થવાનો અંદાજ છે. અગાઉ વોર્ડ ઓફિસનું કામ માત્ર સફાઇ કામદારોની હાજરી પૂરવા પુરતું સિમિત હતું. પરંતુ હવે વોર્ડ ઓફિસને મિનિ સિવિક સેન્ટર બનાવી દેવામાં આવી છે.
ઝોન કચેરીએ થતા મોટાભાગના કામો વોર્ડ ઓફિસ ખાતે થાય છે. આગામી દિવસોમાં વોર્ડ ઓફિસ પર આધાર કાર્ડ કેન્દ્રો પણ શરૂ કરવામાં આવનાર છે. જેના કારણે વોર્ડ ઓફિસની જરૂરિયાત વધશે.
વોર્ડ નં.11માં બનનારી નવી વોર્ડ ઓફિસનું ક્ષેત્રફળ 756 ચોરસ મીટરનું રહેશે. જેમાં ટેક્સ ઇન્સ્પેક્ટર, રૂમ, રેકર્ડ રૂમ, જનરલ સ્ટોર રૂમ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા માટેનો રૂમ, સેનેટરી ઇન્સ્પેક્ટર અને સબ સેનેટરી ઇન્સ્પેક્ટર માટેનો રૂમ, વોર્ડ ઓફિસર રૂમ, ટેકનીકલ સ્ટાફ રૂમ, લેડીઝ અને જેટ્સ માટે અલાયદા ટોયલેટ, ટેક્સ કલેક્શન સેન્ટર, પેવિંગ બ્લોક અને રેઇન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ, સીસીટીવી કેમેરા અને સોલાર સિસ્ટમ સહિતની સુવિધાઓનો સમાવેશ થાય છે. વોર્ડ ઓફિસના નિર્માણથી અંદાજે એક લાખ લોકોને ફાયદો થશે.સેક્ધડ રિંગ રોડને ચાર ફેઇઝમાં ડેવલપ કરાશે શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં આવેલા 150 ફૂટ રીંગ રોડને જામનગર હાઇવેથી સ્માર્ટ સિટી સુધીના વિસ્તારમાં અલગ-અલગ ચાર ફેઇઝમાં ડેવલપ કરવામાં આવશે.
જેના માટે ખર્ચ મંજૂર કરવા અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત વોર્ડ નં.5માં પેડક રોડ પર આવેલો વિવેકાનંદ સ્વીમીંગ પુલને રિનોવેશન કરવામાં આવશે અને માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રૂ.1.54 કરોડના ખર્ચે નવી સ્પોર્ટ્સ લાઇટની સુવિધા ઉભી કરવામાં આવશે.
સર્વેશ્ર્વર ચોકમાં હયાત વોંકળાના સ્થાને નવું બોક્સ કલ્વર્ટ બનાવવામાં આવી રહ્યું છે.
જેના માટે વધારાનો ખર્ચ મંજૂર કરવાની દરખાસ્ત અગાઉ પેન્ડિંગ રાખવામાં આવી હતી. જેના અંગે કાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.
વન ટાઇમ સેટલમેન્ટ સ્કિમનો એપ્રિલથી આરંભ
વર્ષો જુનું બાકી લેણું છુટું કરવા અને બાકીદારોને વ્યાજના ચક્રમાંથી મુક્ત કરાવવા માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવેલા બજેટમાં વન ટાઇમ સેટલમેન્ટ સ્કિમ મુકવામાં આવી છે. જેનો આગામી એપ્રિલ માસથી આરંભ કરી દેવામાં આવશે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત કરવામાં આવી છે. યોજનાનો લાભ લેવા માટે મિલકતધારકે વર્ષ-2025/2026નો વેરો ભરી દેવાનું રહેશે.
જ્યારે અગાઉના બાકી વેરાની 25 ટકા રકમ પ્રથમ હપ્તા પેટે ભરવાની રહેશે. ત્યારબાદની 75 ટકા રકમ ત્રણ વર્ષમાં ભરવાની રહેશે. પ્રથમ હપ્તો ભરાઇ ગયા બાદ બાકી રહેતી રકમ પર કોઇ જ પ્રકારનું વ્યાજ ચડશે નહિં. મિલકત વેરાની રકમ દર વર્ષે 30 સપ્ટેમ્બર સુધીમાં ભરપાઇ કરવી પડશે. અન્યથા આ યોજનાનો લાભ મળતો બંધ થઇ જશે. મિલકતધારક દર વર્ષે જો એડવાન્સ વેરો ભરપાઇ કરશે તો તેને વેરા વળતર યોજનાનો લાભ આપવામાં આવશે.