દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગે્રસ હાલ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે રિતસર ઝઝુમી રહી છે. મઘ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસના નેતાઓએ પરાજયમાંથી બોઘપાઠ લેવાના બદલે હારને સહજતાથી સ્વીકારી લીધી છે. લોકસભાની ચૂંટણીના આડે હવે ત્રણથી ચાર મહિનાનો સમય બાકી રહ્યો છે. છતાં કોંગ્રેસમાં ચૂંટણીની તૈયારીઓ જેવું કશું જ દેખાતું નથી. નેતાઓ પરાજયનું ઠીકરૂ કોના પર ફોડવું તે બલીનો બોકડો શોધી રહ્યા છે. અન્ય રાજયોની સરખામણીએ ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ વધુ દયનિય છે.
2021માં યોજાયેલી સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં મળેલા કારમા પરાજયની નોંધ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ન લેતા 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર 17 બેઠકો પર સમેટાય ગઇ ગુજરાત કોંગ્રેસની ડુબતી નૈયાને બચાવવાની જવાબદારી પક્ષના વફાદાર સૈનિક સમાન શકિતસિંહ ગોહિલને સોંપવામાં આવી છે. બાપુની વરણી બાદ પક્ષના કાર્યકરોમાં એક નવા જ સંચારનો ઉદભવ થયો હતો.
કોંગ્રેસ પાસે વફાદાર કાર્યકરો અને લડાયક નેતાઓની અછત: પોતે પણ જીતવામાં અસક્ષમ નેતાઓના ખભ્ભે કોંગ્રેસને બેઠી કરવાની જવાબદારી!
લોકસભાની ચૂંટણીના આડે માત્ર ગણતરીના મહિનાઓ બાકી છતાં કોંગ્રેસમાં કોઇ જ ગંભીરતા નથી, સંગઠનના પણ ઠેકાણા નથી: ચૂંટણીમાં કોને મેદાનમાં ઉતારશે?
‘ગાજયા મેહ વરસે નહી’ તે કહેવતની માફક શરુઆતમાં શકિતસિંહે અનેક આકરા નિર્ણયો લેવામાં આવશે તેવા ઇશારા કર્યા પરંતુ તેવી એક પણ કામગીરી કરવામાં આવી નહી જેનાથી પક્ષના કાર્યકરોમાં એવો વિશ્ર્વાસ જાગે કે અમારા સેનાયના શકિતશાળી છે. લોકસભાની છેલ્લી બે ચૂંટણીથી કોંગ્રેસને ગુજરાતની જનતા જાકારો આપી રહી છે. હારની હેટ્રીક ખાળવા માટે કોંગ્રેસના નેતાઓમાં કોઇ જ ગંભીરતા દેખાતી નથી. ચૂંટણીના આડે ત્રણથી ચાર મહિના બાકી હોવા છતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું નવું સંગઠન માળખુ પણ જાહેર કરવામાં આવ્યું નથી.
જુના નેતાઓ ઉષ્કીય બની રહ્યા છે. તેઓને ફરીથી પક્ષને મજબૂત બનાવવા કેવી રીતે કામે લગાડવા તેનું કોઇ વિઝન કોંગ્રેસની નેતાગીરી પાસે નથી.
ગુજરાતમાં છેલ્લા ર8 વર્ષથી શાસન ન હોવા છતાં કોંગ્રેસના બુથ લેવલના કાર્યકરો વફાદારીથી પોતાને સોંપવામાં આવતું દરેક કામ કરી રહ્યા છે. પરંતુ આગેવાનો પાસે પોતાની લીટી લાંબી કરવા અને પોતાના તળીયા ચાંટતા ચમચાઓને હોદાની લ્હાણી કરવા સિવાયનું સંગઠન લક્ષી કે ચૂંટણી કેવી રીતે જીતી શકાય તેનું કોઇ વિઝન નથી.
ક્રિકેટમાં જયારે એક બોલર બે બોલમાં બે વિકેટ ખેડવે ત્યારે હરિફ ટીમનો નવો બેટસમેન આ બોલરને હેટ્રીક ન મળે તે માટેના પ્રયાસો કરતો હોય છે. રાજકારણમાં એકવાર પરાજય મળ્યા બાદ બીજી વાર જીત માટેના પ્રયત્નો કરવામાં આવતા હોય છે. ગુજરાતમાં જાણે કોંગ્રેસના નેતાઓ લોકસભાની આગામી ચૂંટણીમાં સફાયાની હેટ્રીક માટે ઉત્સાહિત હોય તેવું લાગી રહ્યું છે. ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલે લોકસભાની તમામ બેઠકો પાંચ લાખથી વધુ લીડથી જીતવાનો જે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તેને પુરો કરવા માટે કોંગ્રેસ પણ જાણે મથી રહી હોય તેવું લાગી રહ્યું છે.
ચૂંટણી જીતવા માટેનો એક પાયાનો નિયમ છે કે કોઇપણ પક્ષ માટે બુથ લેવલના કાર્યકરોની ફોજ અને લડાયક નેતા હોવા જોઇએ ગુજરાતમાં કોંગ્રેસ પાસે આ બન્નેની અછત છે. પ્રદેશથી માંડી તાલુકા કક્ષાનું સંગઠન માળખું ન હોવાના કારણે મતદારો સુધી પહોંચી શકાય તેવું નેટવર્ક કોંગ્રેસ પાસે નથી. એક લોકસભાની બેઠકમાં વિધાનસભાની સાત બેઠકોનો સમાવેશ થતો હોય છે. આવામાં જો કોંગ્રેસ લડાયક અને પ્રજામાં જાણીતા હોય તેવા ચહેરાને બદલે નેતાને માનીતા હોય તેવા વ્યકિતને ઉમેદવાર બનાવી મેદાનમાં ઉતારશે તો ત્રીજીવાર કરૂણ રકાસથી કોઇ ખાળી શકશે નહીં.
જયારે જયારે કોંગ્રેસના નેતાઓને પૂછવામાં આવે કે નવું સંગઠન માળખુ કયારે જાહેર કરવામાં આવશે ત્યારે એક જ જવાબ મળે છે કે ખુબ જ ટુંક સમયમાં નવા હોદેદારો જાહેર કરી દેવામાં આવશે. પરંતુ આ ટુંક સમય કયારેય આવતો જ નથી પોતાના ધારાસભ્ય રાજીનામુ આપી રહ્યા છે. અને ભાજપમાં જોડાય રહ્યા છે. તે વાતથી છેલ્લી ઘડી સુધી કોંગ્રેસ હાઇકમાન્ડ અજાણ હોય છે.
કોંગ્રેસ પાસે જે પરંપરાગત મતદારો છે તેના પ્રતાપે પંજાના પ્રતિક પરથી ચુંટણી લડતો ઉમેદવાર પોતાની ડિપોઝીટ બચાવવામાં સફળ રહે છે. અન્યથા પક્ષની નીતી-રીતીથી ઉમેદવારની ડિપોઝીટ પણ બને તેમ નથી.
કોંગ્રેસની વિચારધારા ધરાવતા કાયકરોની કોઇ અછત નથી પરંતુ જુથવાદના કારણે આવા સનિષ્ઠ કાર્યકરો પોતે જ સાઇડ લાઇન થઇ જાય છે. જેના કારણે કોંગ્રેસની સ્થિતિ કથળી રહી છે. વર્ષોથી કોમામાં સરકી ગયેલી કોંગ્રેસને બેઠી કરવા માટે હવે આકરા ડોઝની જરુરીયાત છે.
શું ગુજરાતમાં કોંગ્રેસને વિપક્ષથી વધુ કશું ખપતુ જ નથી…?
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હોમ સ્ટેટ અને ભાજપના અડિખમ ગઢ એવા ગુજરાતમાં જાણે કોંગ્રેસે વિપક્ષમાં બેસી જ બેસવાનું મન મનાવી લીધુ હોય તેવુ લાગી રહ્યુ છે. છેલ્લા 28 વર્ષમાં ગુજરાતમાં કોંગ્રેસ સત્તાથી વિમુખ છે. ક્યારેય ગુજરાતની ગાદી સુધી પહોંચવાનો પ્રયાસ જ કર્યા નથી. દરેક ચૂંટણીમાં બીજાના ભરોસે રહી સત્તાના સપના જૂવે છે. 1995માં કોંગ્રેસની સત્તા ગયા બાદ 1998માં રાજ્યના ભરોસે ચૂંટણી લડી, 2002માં ગોધરા કાંડના ભરોસે, 2007માં ભાજપના અસંતુષ્ઠો ભાજપને હરાવી દેશે તેવા વિશ્ર્વાસે, 2012માં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીના ભરોસે જ્યારે 2017માં પાટીદાર અનામત આંદોલનના સહારે કોંગ્રેસ ચૂંટણી લડી છતા સફળતા ન મળી. 2022માં એકપણ વિશ્ર્વાસ વિના જાણે કોંગ્રેસ નોંધારી બની ગઇ પરિણામ એવુ આવ્યું કે કોંગ્રેસ માત્ર 17 બેઠકોમાં સમેટાય ગઇ.
ગુજરાતની જનતા કોંગ્રેસને હવે ક્યારેય સ્વીકારશે જ નહીં તેવું કોંગ્રેસના નેતાઓનો વિશ્વાસ સતત
મજબૂત બની રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે. વિપક્ષથી તેઓ સંતુષ્ઠ છે. જો હજી ગંભીર નહી બને તો ગુજરાતમાં આગામી વર્ષમાં આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષી પાર્ટી બની જશે.
બાપુ… હવે “શક્તિ” બતાવી “સિંહ” બનો સંગઠન માળખુ જાહેર કરો
વર્ષોથી કોંગ્રેસના એક વફાદાર સૈનિક તરીકે સતત કામ કરતા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલને કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા ગુજરાતની કમાન સોંપવામાં આવી છે. ગત વર્ષ યોજાયેલી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પક્ષને મળેલી કારમી હાર બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરના સ્થાને શક્તિસિંહ ગોહિલને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. બાપુ શરૂઆતમાં થોડા આક્રમક જણાતા હતા તેઓ વારંવાર કહેતા હતા જે લોકો નિષ્ક્રીય છે. તેઓને કોંગ્રેસમાં કોઇ મોટુ પદ કે ટિકિટ આપવામાં આવશે નહી. આ વાતથી પક્ષને વફાદારોના મનમાં નવી આશા જાગી હતી પરંતુ મહિનાઓ વિતી ગયા છતા બાપુએ હજી સંગઠન માળખુ જાહેર કર્યું નથી. હવે શક્તિસિંહે ખરેખર શક્તિ બતાવી સિંહ બનવાની જરૂરિયાત છે.
લોકસભાની ચૂંટણીના આડે હવે માત્ર ત્રણથી ચાર મહિનાનો સમય બાકી રહ્યો છે. ભાજપ દ્વારા તમામ બેઠકોનો સર્વ શરૂ કરી દેવામાં આવ્યો છે. સતત ત્રીજી વખત ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે પાંચ લાખ મતોની લીડથી વિજેતા બનવાનો ટારગેટ સેટ કરવામાં આવ્યો છે અને કામગીરી પણ એ જ રીતે કરવામાં આવે છે. બીજી તરફ રાજ્યમાં છેલ્લા એક દશકાથી લોકસભાની એકપણ બેઠક ન જીતનાર કોંગ્રેસ હજી સંગઠન માળખુ પણ જાહેર કરી શકતી નથી.
કોંગ્રેસ પાસે કાર્યકર્તાઓ જ નથી બધા નેતા જ છે !!
મોટો હોદો છોડયા બાદ કાર્યકર્તાની હરોળમાં આવવું કોંગીજનો માટે જાણે ‘મોત’ સમાન
ભાજપને શા માટે શિસ્તબધ્ધ પાર્ટી કહેવામાં આવે છે તેનું સૌથી મોટુ ઉદાહરણ એકે મુખ્યમંત્રીની ખુરશી પરથી ઉઠાડી દીધા બાદ વિજયભાઈ રૂપાણીને એક માર્ગદર્શકનું કામ સોંપવામાં આવે તો તે સરળતાથી સ્વીકારી છે મહાનગર કે જિલ્લાના સ્નેહમિલનમાં પણ તેઓ ખુબજ સહજતાથી હાજરી આપી કાર્યકર્તાઓ સાથે હળીમળીને રહે છે અને સંગઠાત્મક માર્ગદર્શન આપે છે. પરંતુ તેનાથી તદ્ન વિપરિત કોંગ્રેસમાં છે. કોઈપણ વ્યકિતને એકવાર સંગઠનમાં મોટો હોદો મળષ કે સ્થાનીક સ્વરાજયની ચૂંટણીથી લઈ વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં જીતેલા
આગેવાનને ફરી પાછુ કાર્યકર્તાની વ્યાખ્યામાં આવવું આત્મઘાતી પગલુ લાગી રહ્યું છે.જેના કારણે જે પક્ષ થકી પોતે મોટા બન્યા તે પક્ષને મજબૂત કરવા માટે તેઓ કોઈ જ મહેનત કરતા નથી.
કોંગ્રેસ માટે હવે ચિંતન નહીં પરંતુ ભારોભાર ચિંતાનો સમય
બીજા રાજ્યોની વાત છોડો ગુજરાતમાં હવે કોંગ્રેસ માટે ચિંતન નહી પરંતુ ભારોભાર ચિંતા કરવાનો સમય આવી ગયો છે. રાજ્યમાં છેલ્લા 28 વર્ષથી સત્તા વિહોણી કોંગ્રેસ લોકસભાની છેલ્લી બે ચૂંટણીથી એકપણ બેઠક જીતી શકી નથી. વિધાનસભાની ચૂંટણીમાં પણ માત્ર 17 બેઠકો જીતી શકી હતી. ચિરાગ પટેલના રાજીનામા બાદ હવે કોંગ્રેસનું સભ્ય સંખ્યા બળ માત્ર 16 પર આવી ગયું છે. રાજ્યસભામાં પણ હવે ગુજરાતમાંથી કોંગ્રેસનો એકપણ પ્રતિનિધિ નહી રહે. આગામી એપ્રિલ માસમાં રાજ્યસભા પણ કોંગ્રેસ મુક્ત બની જશે. દરેક ચૂંટણીમાં કારમા અને શરમજનક પરાજય બાદ કોંગ્રેસના નેતાઓ એક જ કેસેટ વગાડે છે કે, હારના કારણો જાણવા માટે ચિંતન અને મનો મંથન કરવામાં આવશે. પરંતુ આવુ કશું જ કરવામાં આવતુ નથી. જેના કારણે પક્ષની હાલત દિનપ્રતિદિન કથળી થરહી છે. ગુજરાત કોંગ્રેસ મુક્ત બનાવવાના ભાજપના ઇરાદાને ખૂદ કોંગ્રેસીઓ જ સાકાર કરવા મથી રહ્યા છે. તેવુ લાગી રહ્યું છે.
સૌરાષ્ટ્રના રાજકારણનું એપી સેન્ટર મનાતા રાજકોટ શહેરમાં પણ કોંગ્રેસ ‘કાર્યકારી’ના ભરોસે
ગુજરાતના રાજકારણમાં સૌરાષ્ટ્રનું ખૂબજ મહત્વ રહેલું છે. ગાંધીનગરની ગાદીનો રસ્તો સૌરાષ્ટ્રમાંથી જ જાય છે. તેવું માનવામાં આવે છે. રાજકોટ શહેરને સૌરાષ્ટ્રના રાજકારણનું એપી સેન્ટર માનવામાં આવે છે. ગત વર્ષ વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ શહેરની ચારેય બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોની શરમજનક હાર બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ પદેથી પ્રદિપભાઈ ત્રિવેદીએ રાજીનામું આપી દીધું હતુ. તેનો સ્વિકાર કરવામાં આવ્યો નથી. બીજી તરફ રાજકોટનાં કાર્યકારી પ્રમુખ તરીકે સંજય
અજૂડિયાને બેસાડીદેવામાં આવ્યાછે. કાયમી પ્રમુખના બદલે કાર્યકારી પ્રમુખ પોતાની રિતે પક્ષની ગાડી ચલાવી રહ્યા છે. રાજકોટની જનતા અમને કયારેય સ્વીકારવાની જ નથી તેવું કોંગ્રેસ હાઈકમાન્ડે સ્પષ્ટ પણે માની લીધું છે.
જૂ્થવાદના એરૂને નાથવો જરૂરી
ગામડાથી લઈ છેક દિલ્હી સુધી કોંગ્રેસમાં જેટલા નેતાઓ છે તેટલા જૂથ ખદબદી રહ્યા છે. આ વાત જગજાહેર અને વર્ષોથી પક્ષ માટે ઘાતક છે છતા આ દુષણને નાથવા માટે કયારેય પ્રયાસો કરવામાં આવ્યા નથી કોંગ્રેસે જો ફરી બેઠુ થવું હશે તો કોઈપણ ભોગે જુથવાદના એરૂને નાથવો જરૂરી જ નહી પરંતુ અનિવાર્ય છે દેશની સૌથી જૂની રાજકીય પાર્ટીની જૂથવાદે ઘોર ખોદી નાંખી છે. એક વ્યકિત કે પરિવારને વફાદાર રહેવાના બદલે જો પક્ષને વફાદાર રહેવાની માનસિકતા કોંગ્રેસના કાર્યકરો કે નેતામાં આવશે તોજ ગુજરાત સહિતના રાજયોમાં ભાજપને કોંગ્રેસ થોડા ઘણા અંશે ટકકર આપી શકશે.
પક્ષને વફાદાર નહીં નેતાની ચાપલુસી કરનારાઓને ‘મોટા’ કરાય છે
કોંગ્રેસને વફાદારીને કોઈ જ સ્થાન નથી પક્ષને મજબૂત કરવા માટે વર્ષોથી કાળી મજુરી કરનારાઓને ચૂંટણી સમયે હાંસીયામાં ધકેલી દેવામાં આવે છે. વફાદારોને નહી પરંતુ નેતાને ચાપલુસી કરનારાઓને જ મોટા કરવામાં આવે છે. આ સિનારિયો શકિતસિંહ ગોહિલના કાર્યકાળમાં પણ જોવા મળીરહ્યો છે. ચૂંટણીમા પ્રજાએ જાકારો આપ્યા બાદ જે નેતાઓ નિષ્ક્રીય થઈ ગયા હતા કયાંય દેખાતા પણ ન હતા. કોંગ્રેસને ગાળોભાંડી અન્ય પક્ષમાં જતા રહ્યા હતા. તેઓ શકિતસિંહને પ્રમુખ
બનાવાતા ફરી ફિનકસ પક્ષીની માફક ફરી બેઠા થઈ ગયા છે. અને પોતે જ પક્ષને ચલાવી રહ્યા હોયતેવું દેખાડવા માંડયા છે. બાપુની આગળ પાછળ ગોઠવાય ગયા છે. વાસ્તવમાં આવા ચાપલુસીબાજ નેતાઓનાં કારણે કોંગ્રેસની દશા ખરાબ થઈ રહી છે.