તસ્કરને આશરો આપી સોનું વેચવામાં મદદગારી કરતા રેવાણીયા અને મોટા હડમતીયાના શખ્સોની ધરપકડ: રૂા.21.20 લાખનું સોનું કબ્જે
શહેરના મવડી વિસ્તારમાં આવેલા મણીનગરમાં અઢી માસ પહેલાં કારખાનામાંથી રૂા.37 લાખની કિંમતના સોનાના પતરાની ચોરી કરવાના ગુનામાં ફરાર થયેલા તસ્કરને ઝડપી તેને આશરો આપી સોનુ વેચાવામાં મદદગારી કરતા વિછીંયાના રેવાણીયા અને મોટા હડમતીયાના શખ્સોની માલવીયાનગર પોલીસે ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મણીનગરમાં કારખાનું ધરાવતા હિમાન્શુભાઇ મનહરલાલ જોગીયાએ ગત તા.13-10-21ના રોજ રૂા.37 લાખના સોનાના પતરાની ચોરી થયા અંગેની માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કારખાનામાં કામ કરતા નવા થોરાળાના ગૌરવ પ્રવિણ ખીમસુરીયા અને સોહમનગરના તેજસ ઉર્ફે ભુરો ભરત સારેસાની ધરપકડ કરી પૂછપરછ કરતા તેઓએ મુળ ચોટીલા પંથકના ખેરાણા ગામના વતની અને રાજકોટમાં વેલનાથપરામાં રહેતા વિજય નટુ નાગાણીની સાથે મળી ચોરી કર્યાની અને સોનાનું પતરૂ વિજય નાગાણી પોતાની સાથે લઇ ભાગી ગયાની કબુલાત આપી હતી.
વિજય નાગાણીની પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવતા તે પોતાના વતન ખેરાણા ગામે જઇ વાડીમાં સોનાનું પતરૂ દાટી દીધું હતુ ત્યાં પોલીસે પગેરૂ દબાવતા વિજય નાગાણીએ ચોટીલાના સણોસરા ગામે રહેતા પોતાના મિત્ર બટુકગીરી ગુલાબગીરી ગૌસ્વામીની વાડીએ સોનાનું પતરૂ દાટી દીધુ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા પોલીસે બટુકગીરી ગૌસ્વામીની શોધખોળ હાથધરતા તે સોનાના પતરા સાથે વિછીંયા તાલુકાના રેવાણીયા ગામના વિરજી રાઘવજી મકવાણાની વાડીએ પતરૂ છુપાવી વિજય નાગાણીને રહેવાની વ્યવસ્થા કરી હતી. પોલીસે વિજય નાગાણીના ફોટા સાથે ચોરીના ગુનાની વિગત જાહેર કરી વિજય નાગાણીની માહિતી આપનારને ઇનામ આપવાની સોશ્યલ મિડીયામાં જાહેરાત કરતા સોની વેપારીઓ સોનાનું પતરૂ ખરીદ ન કરતા તેને મોટા હડમતીયા ગામના વિરજી સવસી બેરાણીની મદદથી સોનાના પતરામાંથી સોનાનો ઢાળીયો બનાવી વેચવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે દરિમયાન માલવીયાનગર પી.આઇ. કે.એન.ભુકણ, પી.એસ.આઇ. વી.કે.ઝાલા, હેડ કોન્સ્ટેબલ મશરીભાઇ ભેટારીયા, દિગ્પાલસિંહ જાડેજા, કમલેશભાઇ મોરી, રોહિતભાઇ કછોટ અને કુલદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે વિજય નાગાણીની ચોરીના ગુનામાં ધરપકડ કરી તેને આશરો આપી સોનું વેચવામાં મદદગારી કરતા વિરજી રાઘવજી મકવાણા અને વિરજી સવસી બેરાણીની ધરપકડ કરી રૂા.21.20 લાખની કિંમતનું સોનું કબ્જે કર્યુ છે. ચોરીના ગુનામાં સંડોવાયેલા તસ્કર વિજય નાગાણીની મદદ કરનાર બટુકગીરી ગૌસ્વામીની પોલીસે શોધખોળ હાથધરી છે.