રાજકોટમાં દુષ્કર્મના ગુનામાં પેરોલ જમ્પ કરી કાલાવડમાં બાઈક ચોર્યાની કબુલાત
જુનાગઢ તાલુકાના ચોકી ગામે રેલવે સ્ટેશન પાસે રહેતી મહિલાના સંબંધી એવા વડાલના વિશાલ હિરજીભાઈ કુંભાણી તથા અજાણ્યા બે આરોપીઓએ છરી બતાવી, શારીરિક છેડછાડ કરી, ગાઉન ફાડી નાખી, મહિલાએ રાડારાડ કરતા, માણસો ભેગા થઈ જતા, પોતે લાવેલ મોટર સાયકલ મૂકી, ચોકી ગામના ધ્રુવલભાઈને પણ છરી બતાવી, મારી નાખવાની ધમકી આપી, ધ્રુવલભાઈના મોટર સાયકલની લૂંટ કરી નાસી જતા, મહિલાએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.
આ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ, જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા સૂચના કરાતા જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલોસ સ્ટેશનના પી.એસ.આઇ. વી.યુ.સોલંકી તથા ટીમ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવતા, આ ગુન્હામાં સંડોવાયેલ મુખ્ય સૂત્રધાર વિશાલ હિરજીભાઈ કુંભાણી ભૂતકાળમાં રાજકોટ શહેરના અપહરણ, બળાત્કાર, સહીતના ગુન્હામાં જેલમાંથી પેરોલ મેળવી, પેરોલ જમ્પ કરીને ફરાર હોવાની વિગતો મળી હતી.
ઉપરાંત, ચોકી ગામે આરોપી જે મોટર સાયકલ લઈને આવેલ હતો તે મોટર સાયકલ અંગે ઇ ગુજકોપ સોફ્ટવેર મારફતે તપાસ કરતા, આ મોટર સાયકલ પણ જામનગર જિલ્લાના કાલાવડ ખાતેથી ચોરી થયેલાની વિગતો જાણવા મળેલ હતી.
જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલ મેસેજ આધારે રાજકોટ શહેર પોલીસ દ્વારા આરોપી વિશાલ હિરજીભાઈ કુંભાણીની ધરપકડ કરી, જેલ હવાલે કરવામાં આવતા, જૂનાગઢ તાલુકા પોલીસ દ્વારા રાજકોટ જેલ ખાતેથી ટ્રાન્સફર વોરન્ટ આધારે કબ્જો મેળવી, છેડતી તથા લૂંટના ગુન્હામાં ધરપકડ કરવામાં આવેલ હતી.
પકડાયેલ આરોપી વિશાલ હિરજીભાઈ કુંભાણીની પૂછપરછ કરવામાં આવતા, પોતે સને ૨૦૧૮ માં કુવાડવા રોડ પોલીસ સ્ટેશન રાજકોટ શહેર ખાતે સગીર બળાના અપહરણ, બળાત્કાર અને એટરોસિટીના ગુન્હામાં જેલમાં હતો અને એકાદ દોઢ વર્ષ પહેલાં પેરોલ મળતા, પેરોલ જમ્પ કરી રાજકોટ જેલમાં હાજર થયેલ ના હોવાની સાથે ચોંકી ખાતેના છેડતી, લૂંટના ગુન્હામાં પોતે અને પોતાની સાથે જેતપુરના આરોપીઓ સુરેશ બ્રાહ્મણ અને અનિલ ઉર્ફે મિલન પરમાર સાથે હોવાની પણ કબૂલાત કરવામાં આવી હતી. જુનાગઢ તાલુકા પોલીસ દ્વારા જેતપુર ખાતે આરોપીઓ સુરેશ બ્રાહ્મણ અને અનિલ ઉર્ફે મિલન પરમારની તપાસ કરતા, આ શખ્સો જેતપુર શહેરના લૂંટના ગુન્હામાં વોન્ટેડ હોવાની અને જેતપુર પોલીસ પણ શોધતી હોવાની માહિતી સાપડેલ હતી.
આમ, ચોકી ખાતે બનેલ ગુન્હાની તપાસ દરમિયાન જામનગર જિલ્લાના કાલાવડ પોલીસ સ્ટેશનનો વાહન ચોરીનો એક ગુન્હો પણ ડિટેકટ કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી વિશાલ કુંભાણીને વિવિધ મુદ્દાઓ સબબ કોર્ટમાં રજુ કરી પોલીસે રિમાન્ડની માંગણી કરતા, બે દિવસના પોલીસ રીમાન્ડ મેળવી, વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.યુ.સોલંકી તથા સ્ટાફ ચલાવી રહ્યા છે.